આવતી કાલે નિર્ણાયક જંગમાં ટકરાશે ચરોતર રૂખી અને કચ્છી કડવા પાટીદાર

25 January, 2021 11:54 AM IST  |  Mumbai | Dinesh Savaliya

આવતી કાલે નિર્ણાયક જંગમાં ટકરાશે ચરોતર રૂખી અને કચ્છી કડવા પાટીદાર

તસવીર: નિમેશ દવે

મિડ-ડે કપ ૨૦૨૦ની આ ૧૩મી સીઝનના બે ફાઇનલિસ્ટો ગઈ કાલે નક્કી થઈ ગયા હતા. બે બળૂકી ટીમ ચરોતર રૂખી અને કચ્છી કડવા પાટીદાર વચ્ચે આવતી કાલે ફાઇનલ જંગ જામવાનો હોવાથી ક્રિકેટપ્રેમીઓ ભારે ઉત્સાહથી આ ડ્રીમ જંગની ચર્ચા કરવા લાગ્યા છે. નૉકઆઉટ રાઉન્ડની સૌરાષ્ટ્ર લેઉવા પટેલ અન કપોળ વચ્ચેની જોરદાર ટક્કર સાથે ધમાકેદાર શરૂઆત થઈ હતી. પ્રી-ક્વૉર્ટર અને ક્વૉર્ટર ફાઇનલના સંઘર્ષપૂર્ણ મુકાબલાઓ બાદ ચરોતર રૂખી, કચ્છી કડવા પાટીદાર અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ જેવી ટીમે સેમી ફાઇનલમાં પ્રવેશ કરતાં ચાહકો ધમાકેદાર મુકાબલાની અપેક્ષા રાખી રહ્યા છે. જોકે સૌરાષ્ટ્ર લેઉવા પટેલે જેના બળ પર સેમી ફાઇનલ સુધી સફર કરી હતી એ બૅટિંગ-પાવર જ મહત્ત્વના સમયે ફસડાઈ પડતાં બન્ને સેમી ફાઇનલ વન-સાઇડેડ રહી હતી. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ તેની બન્ને સેમી ફાઇનલ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. કચ્છી કડવા પાટીદાર અને ચરોતર રૂખી ફાઇનલિસ્ટ નક્કી થઈ ગયા હતા અને આ જ બન્ને ટીમ વચ્ચેની ત્રીજી સેમી ફાઇનલ અર્થ વગરની બની જતાં રદ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર લેઉવા બીજી વાર સેમી ફાઇનલમાં ફસડાઈ પડી હતી. આ પહેલાં ૨૦૧૬માં તેમણે સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારે હાલાઈ લોહાણા અને મેઘવાળ સાથે રમાયેલી ટ્રાયેન્ગ્યુલર સેમી ફાઇનલમાં ત્રણેય ટીમે એક-એક મૅચ જીતીને બરોબરની ટક્કર આપી હતી, પણ રનરેટના આધારે હાલાઈ લોહાણા અને મેઘવાળ ટીમે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો અને સૌરાષ્ટ્ર લેઉવા પટેલે નિરાશ થવું પડ્યું હતું.

સેમી ફાઇનલ-૧

છેલ્લી ત્રણ સીઝનની ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદારના કૅપ્ટન રમેશ જબુઆણીએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આક્રમક બૅટિંગ માટે જાણીતી સૌરાષ્ટ્ર લેઉવા પટેલની ટીમે બે ઓવરમાં ૧૭ રન સાથે સંયમી શરૂઆત કરી હતી. ત્રીજી ઓવરમાં ઓપનર અને કૅપ્ટન હિતેશ ભાયાણી ૯ બૉલમાં ૧૪ રન બનાવીને તથા ચોથી ઓવરમાં મેન ઇન ફૉર્મ શૈલેશ માણિયા પાંચ બૉલમાં ૩ રન બનાવીને આઉટ થઈ જતાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલને ઉપરાઉપરી બે જબરા ફટકા પડ્યા હતા. આમાંથી કળ વળે ત્યાં પાંચમી ઓવરમાં બે વિકેટ ગુમાવતાં ૨૦ રન માઇનસ થઈ જતાં પાંચ ઓવરના અંતે સ્કોર ચાર વિકેટે ૧૫ રન થઈ ગયો હતો. દર્પણ કેવડિયા (૨૦) અને જનક દિહોરા (અણનમ ૨૦) ૨૯ બૉલમાં ૨૯ની પાર્ટનરશિપ વડે ટીમના સ્કોરને ૧૦ ઓવરમાં ૫૪ રન સુધી લઈ ગયા હતાં. ૧૦૦ પ્લસનો સ્કોર રમતાં-રમતાં બનાવી લેતી સૌરાષ્ટ્ર લેઉવા પટેલની ટીમ માંડ-માંડ ૫૦ રનનો આંકડો પાર કરી શકતાં ફટકાબાજી માણવા આવેલા ચાહકોએ ભારે નિરાશ થવું પડ્યું હતું. ૫૫ રનના ટાર્ગેટ સામે સૌરાષ્ટ્ર લેઉવા પટેના શૈલેશ માણિયાએ કચ્છી કડવા પાટીદારના અનુભવી ખેલાડી ભાવિક ભગતને પહેલા જ બૉલમાં આઉટ કરીને સનસનાટી મચાવી દીધી હતી. જોકે ચૅમ્પિયનશિપની હૅટ-ટ્રિક કરનાર કચ્છી કડવા પાટીદારે આ ઝટકા છતાં જરાય વિચલિત થયા વગર આસાનીથી ૪.૨ ઓવરમાં બે વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી.

૧૩ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે હાઇએસ્ટ ૨૩ રન અને ૧૧ રનમાં એક વિકેટના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ કચ્છી કડવા પાટીદારનો દિનેશ નાકરાણી મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

ટૂંકો સ્કોર

સૌરાષ્ટ્ર લેઉવા પટેલઃ ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૫૪ રન (જનક દિહોરા ૧૬ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે અણનમ ૨૦, દર્પણ કેવડિયા ૧૬ બૉલમાં બે ફોર સાથે ૨૦, હિતેશ ભાયાણી ૯ બૉલમાં બે સિક્સર સાથે ૧૪ અને મહેશ હીરપરા ૧૧ બૉલમાં બે ફોર સાથે ૧૨ રન, ભાવિક ભગત ૧૪ રનમાં બે તથા અલ્પેશ રામજિયાણી ૨૨ રનમાં અને દિનેશ નાકરાણી ૧૧ રનમાં એક-એક વિકેટ)

કચ્છી કડવા પાટીદારઃ ૪.૨ ઓવરમાં બે વિકેટે ૫૮ રન (દિનેશ નાકરાણી ૧૨ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૨૩, વેદાંશ ધોળુ ૧૦ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૫ રન, મહેશ પાનસેરિયા ૬ રનમાં અને શૈલેશ માણિયા ૧૩ રનમાં એક-એક વિકેટ)

સેમી ફાઇનલ-૨

પહેલી સેમી ફાઇનલમાં હાર બાદ હવે બીજી મૅચ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ માટે કરો યા મરો સમાન બની ગઈ હતી. સૌરાષ્ટ્ર લઉવા પટેલના કૅપ્ટન હિતેશ ભાયાણીએ ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પણ પહેલી ઓવરમાં બે વિકેટ અને બીજી ઓવરમાં વધુ અેક વિકેટ ગુમાવીને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ બૅકફુટ પર આવી ગઈ હતી. બીજી ઓવરના અંતે સ્કોર હતો ૩ વિકેટે ૬ રન. પહેલી ઓવરમાં બે ઝટકા આપનાર ચરોતર રૂખીના પેસબોલર ધીરજ સોલંકીએ ત્રીજી ઓવરમાં જબરો તરખાટ મચાવ્યો હતો. પહેલા, બીજા અને ત્રીજા બૉલમાં વિકેટ ઝડપીને આ સીઝનની પ્રથમ હૅટ-ટ્રિક નોંધાવી હતી. છેલ્લા બૉલમાં વધુ એક વિકેટ સાથે તેનો આ સ્પેલ ડ્રીમ સ્પેલ બની ગયો હતો. ધીરજ સોલંકીનો બે ઓવરમાં પાંચ રન આપીને ૬ વિકેટ ટુર્નામેન્ટ બેસ્ટ બોલિંગ પર્ફોર્મન્સ બની ગયો હતો. હૅટ-ટ્રિક વિકેટ ગુમાવવાને લીધે સૌરાષ્ટ્ર લેઉવા પટેલના માંડ-માંડ બનેલા ૬ રનમાંથી ૨૦ રન માઇનસ થઈ જતાં ત્રીજી ઓવરના અંતે સ્કોર ૭ વિકેટે ૧૦ રન થયો હતો. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ માઇનસ સ્કોર સાથેની નામોશી સાથે વિદાય લેશે એવું લાગી રહ્યું હતું, પણ લોઅર ઑર્ડર બૅટ્સમેનો રાજેશ કલાથિયા (૨૦ બૉલમાં અણનમ ૩૧) અને હર્ષિલ કાછડિયા (૧૩ બૉલમાં ૧૬ રન) ટીમની વહારે આવ્યા હતા. આ જોડીના પ્રતિકારને લીધે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ ૯.૩ ઓવરમાં ઑલઆઉટ થતાં પહેલાં સન્માનજનક ૫૬ રન સુધી પહોંચી શકી હતી. ચાર વખતની ચૅમ્પિયન ચરોતર રૂખીએ કોઈ પણ પ્રકારના ટેન્શન લીધા વગર કૂલ માઇન્ડ રમતાં ૪.૧ ઓવરમાં વિના વિકટે ૬૨ રન બનાવીને ૧૦ વિકેટે ટનાટન જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ચરોતર રૂખીએ આ સાથે પાંચમી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

બે ઓવરમાં માત્ર પાંચ રન આપીને હૅટ-ટ્રિક સાથે કુલ ૬ વિકેટના ટુર્નામેન્ટના બેસ્ટ પર્ફોર્મન્સ બદલ ચરોતર રૂખીના ધીરજ સોલંકીને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

ટૂંકો સ્કોર

સૌરાષ્ટ્ર લેઉવા પટેલઃ ૯.૩ ઓવરમાં ૫૬ રનમાં ઑલઆઉટ (રાજેશ કલાથિયા ૨૦ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે અણનમ ૩૧, હર્ષિલ કાછડિયા ૧૩ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૬ રન, ધીરજ સોલંકી પાંચ રનમાં ૬ તથા હર્ષદ રાજપૂત ૧૦ રનમાં, સચિન સોલંકી ૧૨ રનમાં, નીતિન પરમાર ૧૪ રનમાં અને જિતેશ પૂરબિયા ૧૬ રનમાં એક-એક વિકેટ)

ચરોતર રૂખીઃ ૪.૧ ઓવરમાં વિના વિકેટે ૬૨ રન (જિતેશ પૂરબિયા ૧૭ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે અણનમ ૨૯ અને નીતિન પરમાર ૮ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે અણનમ ૧૪ રન)

sports sports news cricket news