26 July, 2025 11:04 AM IST | London | Gujarati Mid-day Correspondent
માઇકલ વૉન
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉન દ્વારા ક્રિકેટમાં મેડિકલ સબ્સ્ટિટ્યુટ માટેના નિયમો વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. રિષભ પંતની પગની ઇન્જરીની વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘મને ઘણાં વર્ષોથી લાગ્યું છે કે ટેસ્ટ-ક્રિકેટમાં સ્પષ્ટ ઇન્જરીઓના કિસ્સામાં સબ્સ્ટિટ્યુટ પ્લેયર્સ પૂરા પાડવા જોઈએ જેમ કે આપણે ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે ચોથી ટેસ્ટમાં રિષભ પંતના કિસ્સામાં જોયું. તૂટેલા પગ સાથે પંતને બૅટિંગ કરતાં જોવું ખરેખર એક મહાન અનુભવ હતો, પરંતુ તે બૅટિંગ કરવા માટે ફિટ નહોતો, દોડી શકતો નહોતો અને આનાથી તેની ઈજા વધુ ગંભીર બની શકી હોત.’
તેણે વધુમાં કહ્યું હતું કે ‘વિચારવા જેવી વાત એ છે કે તેને (પંત) વિકેટકીપર તરીકે સબ્સ્ટિટ્યુટ પ્લેયર તરીકે રમવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ એ સબ્સ્ટિટ્યુટ પ્લેયરને બૅટિંગ કે બોલિંગ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. આ બધું થોડું વિચિત્ર અને અસંગત છે. આપણી રમત એકમાત્ર ટીમ રમત છે જેમાં આવું થાય છે અને મને લાગે છે કે એ દર્શાવે છે કે ક્રિકેટ હજી પણ અંધકાર યુગમાં જીવી રહ્યું છે. જો પ્લેયરને નવી ઇન્જરી થાય છે જેમ કે હાડકાં અથવા સ્નાયુઓમાં ગંભીર ઇન્જરી થાય તો તેને રમતમાં આગળ ભાગ લેવાથી રોકવો જોઈએ. આવી ઇન્જરીને સ્કૅન અને ડૉક્ટર દ્વારા સરળતાથી પ્રમાણિત કરી શકાય છે પછી સમાન ક્ષમતા ધરાવતા પ્લેયરને સબ્સ્ટિટ્યુટ તરીકે બદલી શકાય છે, જેમ કે માથામાં બૉલ વાગવાના કિસ્સામાં થાય છે.’