03 May, 2025 06:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવે ૨૩ બૉલમાં ૪૮ રન ફટકાર્યા હતા
IPL 2025ની ૫૦મી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સે ૧૦૦ રને રાજસ્થાન રૉયલ્સને હરાવીને ૧૩ વર્ષ બાદ જયપુરમાં જીત મેળવી છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મે ૨૦૧૨ બાદ મુંબઈએ રાજસ્થાન સામે ચારેચાર મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈએ ઓપનર્સની ૧૧૬ રનની પાર્ટનરશિપના આધારે બે વિકેટે ૨૧૭ રન ખડકી દીધા હતા. રાજસ્થાન પૂંછડિયા બૅટર જોફ્રા આર્ચરની ૩૦ રનની ઇનિંગ્સના આધારે ૧૧૭ રન બનાવીને ઑલઆઉટ થઈ ગયું હતું. મુંબઈ સળંગ છઠ્ઠી જીત સાથે પૉઇન્ટ્સ ટેબલમાં નંબર વન બન્યું છે, જ્યારે રાજસ્થાન પ્લેઑફની રેસમાંથી સંપૂર્ણ રીતે આઉટ થઈ ગયું છે.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ માટે ઊતરનાર મુંબઈ માટે ઓપનર્સ રોહિત શર્મા (૩૬ બૉલમાં ૫૩ રન) અને રાયન રિકલ્ટન (૩૮ બૉલમાં ૬૧ રન)એ ૧૧૬ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. નવ ચોગ્ગા ફટકારનાર રોહિતે મુંબઈ ઇન્ડિયન્સ માટે ૬૦૦૦ T20 રનની સિદ્ધિ પણ મેળવી છે. કૅપ્ટન હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવે ત્રીજી વિકેટ માટે ૯૪ રનની પાર્ટનરશિપ કરીને જયપુરના હાઇએસ્ટ IPL ટોટલ ૨૧૭ રનની બરાબરી કરી હતી. ૨૦૮.૭૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરતાં બન્ને પ્લેયર્સે એક જેટલા ૨૩ બૉલ રમીને ૪૮-૪૮ રન ફટકાર્યા હતા.
૨૧૮ રન ચેઝ કરવા ઊતરેલા રાજસ્થાનના ઓપનર્સ યશસ્વી જાયસવાલ (૬ બૉલમાં ૧૩ રન) અને વૈભવ સૂર્યવંશી (બે બૉલમાં ઝીરો) સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ થતાં જ એક બાદ એક બૅટર્સ ફ્લૉપ થવા લાગ્યા હતા. ૪૭ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવતાંની સાથે રાજસ્થાન આ સીઝનમાં પાવરપ્લેમાં પાંચ વિકેટ ગુમાવનાર પહેલી ટીમ બની ગઈ હતી. રાજસ્થાન માટે પૂંછડિયા બૅટર જોફ્રા આર્ચરે (૨૭ બૉલમાં ૩૦ રન) બે-બે ચોગ્ગા અને છગ્ગાની મદદથી મોટી ઇનિંગ્સ રમી હતી. મુંબઈ તરફથી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે (૨૮ રનમાં ૩ વિકેટ) ૩૦૦ T20 વિકેટની સિદ્ધિ મેળવી હતી. સ્પિનર કર્ણ શર્મા (૨૩ રનમાં ત્રણ વિકેટ) અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે (૧૫ રનમાં બે વિકેટ) પણ શાનદાર બોલિંગ કરી હતી.
સંપૂર્ણ પિન્ક જર્સી પહેરીને કેમ ઊતર્યા રાજસ્થાની પ્લેયર્સ?
રૉયલ રાજસ્થાન ફાઉન્ડેશન (RRF)ના પિન્ક પ્રૉમિસ પહેલ હેઠળ રાજસ્થાનના પ્લેયર્સ ગઈ કાલે સ્પેશ્યલ સંપૂર્ણ પિન્ક જર્સી પહેરીને રમવા ઊતર્યા હતા. આ મૅચમાં વેચાયેલી દરેક ટિકિટમાંથી ૧૦૦ રૂપિયા અને પિન્ક જર્સીના વેચાણમાંથી મળેલા પૈસાનો ઉપયોગ રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓના સશક્તીકરણ માટે કરવામાં આવશે. મૅચમાં ફટકારવામાં આવેલી દરેક સિક્સર સાથે રાજસ્થાનના સાંભર વિસ્તારનાં છ ઘરોને સોલર પૅનલના માધ્યમથી પ્રકાશિત કરવામાં આવશે.
|
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
|
મુંબઈ |
૧૧ |
૭ |
૪ |
૦ |
+૧.૨૭૪ |
૧૪ |
|
બૅન્ગલોર |
૧૦ |
૭ |
૩ |
૦ |
+૦.૫૨૧ |
૧૪ |
|
પંજાબ |
૧૦ |
૬ |
૩ |
૧ |
+૦.૧૯૯ |
૧૩ |
|
ગુજરાત |
૯ |
૬ |
૩ |
૦ |
+૦.૭૪૮ |
૧૨ |
|
દિલ્હી |
૧૦ |
૬ |
૪ |
૦ |
+૦.૩૬૨ |
૧૨ |
|
લખનઉ |
૧૦ |
૫ |
૫ |
૦ |
-૦.૩૨૫ |
૧૦ |
|
કલકત્તા |
૧૦ |
૪ |
૫ |
૧ |
+૦.૨૭૧ |
૯ |
|
રાજસ્થાન |
૧૧ |
૩ |
૮ |
૦ |
-૦.૭૮૦ |
૬ |
|
હૈદરાબાદ |
૯ |
૩ |
૬ |
૦ |
-૧.૧૦૩ |
૬ |
|
ચેન્નઈ |
૧૦ |
૨ |
૮ |
૦ |
-૧.૨૧૧ |
૪ |
રાજસ્થાનના ફાસ્ટ બોલર સંદીપ શર્માને પણ થયું આંગળીમાં ફ્રૅક્ચર
રાજસ્થાન રૉયલ્સના ફાસ્ટ બોલર સંદીપ શર્મા પણ આંગળીના ફ્રૅક્ચરને કારણે IPL 2025માંથી બહાર થઈ ગયો છે. જયપુરમાં ગુજરાત ટાઇટન્સ સામેની મૅચ દરમ્યાન તેણે ઇન્જરી છતાં બોલિંગ ચાલુ રાખીને બહાદુરી બતાવી હતી. તેણે આ સીઝનમાં ૧૦ મૅચમાં ૯.૮૯ના ઇકૉનૉમી-રેટથી ૩૬૧ રન આપીને નવ વિકેટ ઝડપી છે. પંજાબમાં જન્મેલા ૩૧ વર્ષના આ ફાસ્ટ બોલરને રાજસ્થાને ચાર કરોડ રૂપિયામાં રીટેન કર્યો હતો.