05 April, 2025 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્વિન્ટન ડી કૉક
અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)ની ૨૦૨૪ની સીઝનમાં MI ફ્રૅન્ચાઇઝીની ટીમ MI ન્યુ યૉર્ક સાતમાંથી માત્ર બે મૅચ જીતી શકી હતી. આ વર્ષે લીગની ત્રીજી અને નવી સીઝન જૂન-જુલાઈમાં રમાશે. ટીમમાં પહેલાંથી કાઇરન પોલાર્ડ, નિકોલસ પૂરન, રાશિદ ખાન અને ટ્રેન્ટ બોલ્ટ સહિતના અનુભવી પ્લેયર્સ હોવા છતાં ફ્રૅન્ચાઇઝીએ કેટલાક અન્ય દમદાર પ્લેયર્સને પોતાની સ્ક્વૉડમાં સામેલ કર્યા છે.
IPLની સીઝનની વચ્ચે MI ફ્રૅન્ચાઇઝીએ KKRની ફ્રૅન્ચાઇઝી માટે રમતા સાઉથ આફ્રિકાના વિકેટકીપર-બૅટ્સમૅન ક્વિન્ટન ડી કૉકને પોતાની સ્ક્વૉડમાં સામેલ કરી લીધો છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનના ઑલરાઉન્ડર અઝમાતુલ્લા ઉમરઝાઈ અને નવીન-ઉલ-હકને પણ પોતાની સ્ક્વૉડમાં સામેલ કર્યા છે. અમેરિકન કૅપ્ટન મોનાંક પટેલ અને બૉલીવુડના ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપડાના દીકરા અગ્નિ ચોપડા સહિતની ભારતીય પ્રતિભા પણ આ સ્ક્વૉડનો ભાગ છે. MI ન્યુ યૉર્ક ૨૦૨૩માં આ T20 લીગની પહેલી સીઝન જીતી હતી.