ટીમને જરૂર હોય તો નીચલા ક્રમે પણ રમવા તૈયાર છું: મૅથ્યુ વેડ

04 January, 2021 04:31 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ટીમને જરૂર હોય તો નીચલા ક્રમે પણ રમવા તૈયાર છું: મૅથ્યુ વેડ

મૅથ્યુ વેડ

ઑસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમ માટે શરૂઆતની બે ટેસ્ટ મૅચમાં ઓપનિંગ કરનાર મૅથ્યુ વેડનું કહેવું છે કે જો ટીમમાં ડેવિડ વૉર્નર અને વિલ પુકોવ્સ્કી કમબૅક કરે તો તે ટીમ માટે નીચલા ક્રમે બૅટિંગ કરવા તૈયાર છે અને જો જરૂર પડી તો ટીમમાંથી બહાર જવા પણ તૈયાર છે. વિલ અને વૉર્નર બન્નેએ ઑસ્ટ્રેલિયન ટીમના નેટ-પ્રૅક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. વૉર્નરે અગાઉ સ્પષ્ટતા પણ કરી હતી કે જો હું સંપૂર્ણપણે ફિટ નહીં હોઉં તો પણ ત્રીજી ટેસ્ટ મૅચ રમીશ.

પોતાની વાત જણાવતાં મૅથ્યુ વેડે કહ્યું કે બૅટિંગ ઓપન કરવા માટે હું સંપૂર્ણ રીતે તૈયાર છું અને જો મને નીચલા ક્રમે મોકલવામાં આવશે તો પણ મને વાંધો નથી. વૉર્નર રમશે એમ ધારીને જ અમે આગળ વધી રહ્યા છીએ માટે કદાચ વૉર્નર અને હું અથવા અન્ય બૅટ્સમૅન ઓપનિંગ કરી શકે છે. મને એ નથી ખબર કે એ હું હોઈશ કે વિલ. મને હજી સુધી ખબર નથી કે મારે કયા નંબરે બૅટિંગ કરવાની છે. સ્વાભાવિક છે કે વિલ ટીમની સ્ક્વૉડમાં આવી ગયો છે એટલે મારે પછીથી બૅટિંગ કરવા આવવાનું છે કે ટીમમાંથી બહાર જવાનું છે એની હજી સુધી મને ખબર નથી. કોચ જસ્ટિન લૅન્ગરે મારો મત જાણ્યો હતો, પણ તેમણે મને જબરદસ્તી નથી કરી. મેં તેમને પણ કહ્યું કે મને ઓપનિંગ કરવામાં કોઈ વાંધો નથી. ડેવિડ વૉર્નર સાથે છે એટલે ચિંતાનો પ્રશ્ન પણ નથી. ઊલટાનું મારા માટે એ બતાવવાની તક છે કે હું પહેલા ક્રમે પણ બૅટિંગ કરી શકું છું અને સાતમા ક્રમે પણ. આ એક સારી તક છે. ટૂરમાં જો કંઈ ગરબડ થાય તો હું કોઈ પણ પોઝિશને રમવા તૈયાર છું. ટિમ પેઇનના સ્થાને હું વિકેટકીપિંગ પણ કરી શકું છું માટે આ બાબતે ચિંતિત થવાને બદલે હું એને એક તક રૂપે જોઈ રહ્યો છું.’

આ ઉપરાંત પિન્ક બૉલ ટેસ્ટમાં કરેલી બૅટિંગના અનુભવ પણ વેડે જણાવ્યા હતા.

sports sports news cricket news melbourne australia