મૅચ-ફિનિશર શાહરુખની છેલ્લા બૉલની સિક્સરથી તામિલનાડુ ચૅમ્પિયન

23 November, 2021 06:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુશ્તાક અલી ટી૨૦ની ફાઇનલમાં કર્ણાટકને ચાર વિકેટે હરાવીને સતત બીજી વાર ટ્રોફી જીતી ગયું

હરાજીમાં ખરીદવાની તૈયારી?: મહેન્દ્રસિંહ ધોનીએ ગઈ કાલે શાહરુખ ખાનની બૅટિંગ ખૂબ રસપૂર્વક જોઈ હતી. શાહરુખ ખાને (એકદમ જમણે) દિલ્હીમાં આખરી બૉલમાં મૅચ-વિનિંગ સિક્સર ફટકારી હતી. ધોની ૨૦૨૨માં ચેન્નઈ સુપર ​​કિંગ્સ માટે હાર્ડ-હિટર શાહરુખને લેવડાવવા માગે છેકે શું એવી ચર્ચા ભારતીય ક્રિકેટમાં ગઈ કાલથી થવા લાગી છે.

તામિલનાડુએ ગઈ કાલે દિલ્હીમાં કર્ણાટકને ડોમેસ્ટિક સીઝનની પ્રથમ ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ટ્રોફીની ફાઇનલમાં છેલ્લા બૉલે ૪ વિકેટના માર્જિનથી હરાવીને સતત બીજી વાર ટાઇટલ જીતી લીધું હતું. તામિલનાડુનો મૅચ-ફિનિશર મસૂદ શાહરુખ ખાન (એમ. શાહરુખ ખાન) આ મૅચનો હીરો હતો. તેણે ૧૫ બૉલમાં ત્રણ સિક્સર અને એક ફોરની મદદથી અણનમ ૩૩ રન બનાવ્યા હતા. આખરી ઓવરમાં તામિલનાડુએ જીતવા માટે ૧૬ રન બનાવવાના હતા. પ્રતીક જૈને એ ઓવર કરી હતી જેમાં પાંચ બૉલમાં બે વાઇડ સહિત કુલ ૧૧ રન બન્યા હતા અને આખરી બૉલમાં પાંચ રનની જરૂર હતી. જોકે શાહરુખ ખાને અંતિમ બૉલમાં છગ્ગો ફટકારીને તામિલનાડુને યાદગાર વિજય અપાવ્યો હતો. તેની સાથે આર. સાંઈ કિશોર ૬ રને અણનમ રહ્યો હતો.
ટૂંકમાં, કર્ણાટકના ૨૦ ઓવરના ૧૫૧/૭ સામે તામિલનાડુએ ૨૦ ઓવરમાં ૧૫૩/૬ના સ્કોર સાથે ફાઇનલ જીતી લીધી હતી. તામિલનાડુના ૧૫૩ રનમાં એન. જગદીશનના ૪૧ રન હાઇએસ્ટ હતા. કર્ણાટક વતી કે. સી. કરિઅપ્પાએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી. એ પહેલાં, બૅટિંગ મળ્યા પછી કર્ણાટકે ૭ વિકેટે જે ૧૫૧ રન બનાવ્યા હતા એમાં અભિનવ મનોહરના ૪૬ રન તથા પ્રવીણ દુબેના ૩૩ રન હતા. મુખ્ય બૅટર મનીષ પાન્ડે ફક્ત ૧૩ રન બનાવી શક્યો હતો. તામિલનાડુ વતી સ્ટાર લેફ્ટ-આર્મ સ્પિનર આર. સાંઈ કિશોરે માત્ર ૧૨ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.
પંજાબે શાહરુખને ૫.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છેતામિલનાડુના ૨૬ વર્ષના ખેલાડી શાહરુખ ખાનને પંજાબ કિંગ્સે ફેબ્રુઆરી ૨૦૨૧માં આઇપીએલ માટેની હરાજીમાં ૫.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે અવ્વલ દરજ્જાનો મૅચ-ફિનિશર બનવા માગે છે અને આ માટે તે તાલીમ લઈ રહ્યો છે.
 
તામિલનાડુએ સાટું વાળ્યું

બે વર્ષ પહેલાં (ડિસેમ્બર, ૨૦૧૯) સુરતમાં કર્ણાટકે મુશ્તાક અલી ટી૨૦ની ફાઇનલમાં તામિલનાડુને છેલ્લા બૉલમાં હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. ગઈ કાલે તામિલનાડુએ પણ આખરી બૉલમાં જીતીને બદલો લઈ લીધો હતો. ૨૦૨૦ની આ ટુર્નામેન્ટની ફાઇનલમાં તામિલનાડુએ અમદાવાદની ફાઇનલમાં બરોડાને ૭ વિકેટે હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.

યલો ટીમ-વિનર્સનું યર

પીળા ડ્રેસવાળી ચાર ટીમ આ વર્ષે ટ્રોફી જીતી છે. ૨૦૨૧ના જાન્યુઆરીમાં તામિલનાડુ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીત્યું, ઑક્ટોબરમાં ચેન્નઈ સુપર કિંગ્સ આઇપીએલની ટ્રોફી જીત્યું, ૧૪ નવેમ્બરે ઑસ્ટ્રેલિયા પહેલી વાર ટી૨૦ વર્લ્ડ ચૅમ્પિયન બન્યું અને ગઈ કાલે તામિલનાડુ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી બૅક-ટુ-બૅક જીત્યું હતું.

sports news sports cricket news ms dhoni