ઇન્ડિયા માટે ટી૨૦ વર્લ્ડ કપની ઑડિશન શરૂ

06 December, 2019 10:53 AM IST  |  Hyderabad

ઇન્ડિયા માટે ટી૨૦ વર્લ્ડ કપની ઑડિશન શરૂ

પ્રેક્ટિસ દરમિયાન ટીમ ઈન્ડિયા

ટી૨૦ ઇન્ટરનૅશનલમાં ભારત આજે વેસ્ટ ઇન્ડીઝને હરાવીને ટીમને ડોમિનેટ કરવાની તેમની મુસાફરીને યથાવત્ રાખવાની કોશિશ કરશે. ઑગસ્ટમાં ઇન્ડિયા જ્યારે વેસ્ટ ઇન્ડીઝ ગઈ હતી ત્યારે યજમાન ટીમનો તેમણે દરેક ફૉર્મેટમાં વાઇટવૉશ કર્યો હતો. આજથી શરૂ થઈ રહેલી ત્રણ ટી૨૦ની પહેલી મૅચ આજે રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં રમાશે.
બંગલા દેશ સામે રમાયેલી ટી૨૦ સિરીઝમાં રોહિત શર્માની કૅપ્ટન્સી હેઠળ ઇન્ડિયા એક મૅચ હારી ગયું હતું. જોકે આ સિરીઝમાં કૅપ્ટન હવે વિરાટ કોહલી છે. વેસ્ટ ઇન્ડીઝના બોલરો માટે ઇન્ડિયન ટીમના ટૉપ-ઑર્ડરના ઑપનિંગ બૅટ્સમેન રોહિત શર્મા, કે. એલ. રાહુલ અને કોહલી તથા શ્રેયસ ઐયરને આઉટ કરવા ખૂબ મુશ્કેલ છે. વેસ્ટ ઇન્ડીઝમાં બોલિંગ-અટૅકમાં જોઈએ એટલો એક્સ્પીરિયન્સ નથી અને ઇન્ડિયામાં તેમના બોલર્સને ખૂબ મુશ્કેલી પડશે.
વેસ્ટ ઇન્ડીઝ કરતાં ભારતના બોલર્સ જબરદસ્ત છે. મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર મૅચ-વિનર્સ સાબિત થયા છે. દીપક ચાહર અને શિવમ દુબેએ પણ તેમને મળેલી લિમિટેડ ઑપોર્ચ્યુનિટીમાં તેમનો અદ્ભુત પર્ફોર્મન્સ આપ્યો હતો. આ સાથે જ યુઝવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવના સ્પિન-અટૅક માટે પણ વેસ્ટ ઇન્ડીઝના પ્લેયરે તૈયાર રહેવું પડશે. ઇન્ડિયા સતત તેના બોલર્સ સાથે એક્સપેરિમેન્ટ્સ કરી રહ્યું છે, જેથી તેઓ ટી૨૦ વર્લ્ડ કપમાં બેસ્ટ બોલર્સ સાથે ઊતરી શકે.
વેસ્ટ ઇન્ડીઝે આજની મૅચ જીતીને તેમનું પલડું ભારે રાખવું પડશે, કારણ કે ઇન્ડિયા સામેની છેલ્લી ૬ ટી૨૦માં તેઓ હારી ગયા હતા. અફઘાનિસ્તાન સામેની ત્રણ મૅચની ટી૨૦ સિરીઝ પણ તેઓ ૨-૧થી હાર્યા હતા, એથી  કૅપ્ટન પોલાર્ડની ટીમે જીત માટે મરણિયો પ્રયાસ કરવો પડશે. પોલાર્ડ, કોટ્રેલ, હેટમાયર અને ઇવિન લેવિસે સારા સ્કોર કરવા પડશે જેથી તેમના બોલરો ઇન્ડિયા પર પ્રેશર બનાવી શકે.

કોહલીની નવી ફિટનેસ ડ્રિલ

વિરાટ કોહલી ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ટીમ ઇન્ડિયા સાથે ફિટનેસની નવી ડ્રિલ સાથે જોવા મળ્યો હતો. આ ડ્રિલમાં દરેક પ્લેયર જમીન પર સૂતેલા જોવા મળ્યા હતા અને ત્યાર બાદ સિસોટી વાગતાંની સાથે તેઓ દરેક ઊભા થઈને દોડી રહ્યા છે. તમામ પ્લેયરને બે લાઇનમાં વહેંચવામાં આવ્યા છે. બીજી લાઇનમાં ઊભેલી વ્યક્તિ પહેલી લાઇનની વ્યક્તિને ચેઝ કરતી જોવા મળી રહી છે તેમ જ દરેકની પાછળ જુદા-જુદા કલરના રૂમાલ લગાવવામાં આવ્યા છે.

ઇન્ડિયા નંબર-વન ટીમ છે અને અમે પણ અમારા યુવાનો પર ફોકસ કરી રહ્યા છીએ : કિરોન પોલાર્ડ

વેસ્ટ ઇન્ડીઝના નવા કૅપ્ટન કિરોન પોલાર્ડનું કહેવું છે કે ઇન્ડિયા નંબર-વન ટીમ છે તેમ જ તેણે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડને યુવાનોને સપોર્ટ કરવા માટે પણ સૂચન કર્યું છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઘણા સમયથી ભારતમાં છે. તેઓ અફઘાનિસ્તાન સામે સિરીઝ રમ્યા હતા અને હવે તેઓ આજથી ઇન્ડિયા સામે ટી૨૦ સિરીઝ રમશે. આ વિશ પોલાર્ડે કહ્યું હતું કે ‘અમારે પણ અમારા યુવાન પ્લેયર્સને સપોર્ટ કરવાની જરૂર છે, કારણ કે અમે તેમની ટૅલન્ટ જોઈ છે અને તેમના ઍટિટ્યુડથી પણ અમે વાકેફ છીએ. યુવાનો માટે આ સમય ખૂબ જ એક્સાઇટિંગ છે. અમારી પાસે ઘણું યુવા ટૅલન્ટ છે, પરંતુ તેમને ઇન્ટરનૅશનલ ક્રિકેટ માટે ટ્રેઇન કરવાની જરૂર છે. કેટલીક વાર તમારે પ્રામાણિક રહીને તેમને નીચા પાડનારા લોકોથી બચાવી રાખવાની જરૂર છે. ઇન્ડિયાના ફાસ્ટ બોલર્સ ખૂબ જ સારા છે. તેઓ નંબર-વન ટીમ છે. નંબર-વન ટીમ સામે રમવું એ અમારે માટે ખૂબ સારી તક છે. અમારે તેમના અટૅકને હૅન્ડલ કરવાની જરૂર છે. અમારી ટીમ ફક્ત એક પ્લેયર પર ધ્યાન નથી આપી રહી.

virat kohli west indies cricket news