એમસીસીએ વાંસના બૅટને ગેરકાયદે ગણાવ્યું

12 May, 2021 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટના નિયમોનું નિયમન કરતી ધ મૅરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ વાંસના બૅટને હાલના નિયમ પ્રમાણે ગેરકાયદે ગણાવ્યું છે અને આ બાબતે સમિતિની મીટિંગમાં ચર્ચા કરશે.

દ​ર્શિલ શાહ

ક્રિકેટના નિયમોનું નિયમન કરતી ધ મૅરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ વાંસના બૅટને હાલના નિયમ પ્રમાણે ગેરકાયદે ગણાવ્યું છે અને આ બાબતે સમિતિની મીટિંગમાં ચર્ચા કરશે.  

સામાન્ય રીતે ઇંગ્લૅન્ડ અને કાશ્મીરમાં થતા વિલો (નેતર)ના ઝાડમાંથી બનાવેલાં બૅટ કરતાં વાંસનાં બૅટ વધુ સારાં છે એમ કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં દ​ર્શિલ શાહ અને બેન ટિન્કર-ડેનિસના સંશોધનમાં બહાર આવ્યું હતું. તેમનું કહેવું હતું કે આ બૅટ સસ્તાં પણ છે અને એનાથી ચોગ્ગો પણ સહેલાઈથી ફટકારી શકાય છે.

એમસીસીએ જણાવ્યું કે હાલના નિયમ પ્રમાણે બૅટની ધાર લાકડામાંથી બનેલી હોવી જોઈએ અને જો વાંસના (જે ઘાસ છે) બૅટનો વિકલ્પ પસંદ કરવો હશે તો નિયમમાં ફેરફાર કરવો જરૂરી છે. આ ફેરફારમાં વાંસની છૂટ એમ ખાસ લખવું પડશે, કેમ કે જો વાંસને એક લાકડું ગણી લેવામાં આવશે તો પણ નહીં ચાલે, કેમ કે હાલના કાયદા પ્રમાણે જુનિયર લેવલનાં બૅટ સિવાય બૅટની ધારને લેમિનેશનની છૂટ નથી. 

એમસીસીએ ઉમેર્યું હતું કે આ બાબતે સાવધાનીપૂર્વક આગળ વધવું જોઈએ, કેમ કે ક્રિકેટમાં બૉલ-બૅટ વચ્ચે યોગ્ય બૅલૅન્સ જળવાઈ રહેવું જોઈએ. કોઈ પણ જાતના બદલાવ કરતાં આ બાબતનો ખાસ વિચાર કરવો જોઈએ. 

cricket news sports news sports