ઇંગ્લૅન્ડ સામે 19 રનથી પહેલી વન-ડે જીત્યું ઑસ્ટ્રેલિયા

13 September, 2020 12:42 PM IST  |  Manchester | Agency

ઇંગ્લૅન્ડ સામે 19 રનથી પહેલી વન-ડે જીત્યું ઑસ્ટ્રેલિયા

ઑસ્ટ્રેલિયા ટીમ

ઇંગ્લૅન્ડ સામે શુક્રવારે ત્રણ વન-ડે મૅચની પહેલી વન-ડે રમાઈ હતી જેમાં ઑસ્ટ્રેલિયાએ ૧૯ રનથી વિજય મેળવ્યો હતો. ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે શરૂઆતમાં ઘણો સારો સાબિત થયો હતો. ઑસ્ટ્રેલિયન ટીમના ઓપનર ડેવિડ વૉર્નરને ૬ રનમાં પૅવેલિયનભેગો કરી દીધો હતો. ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાની વિકેટ સતત પડી રહી હતી. માર્ક્સ સ્ટોઇનિસ ૪૩ રન બનાવીને આઉટ થયો હતો. મિચેલ માર્શ અને ગ્લેન મૅક્સવેલે અનુક્રમે ૭૩ અને ૭૭ રનની ઇનિંગ રમીને ટીમના સ્કોરને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યો હતો. જોફ્રા આર્ચર અને માર્ક વુડ ત્રણ-ત્રણ વિકેટ લેવામાં સફળ થયા હતા. ઑસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૯૪ રન બનાવ્યા હતા.

૨૯૫ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલા ઇંગ્લૅન્ડે ૧૩ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ઓઇન મૉર્ગન અને જૉસ બટલરની વિકેટ પણ ૫૦ રન બાદ તાબડતોબ પડી ગઈ હતી. મુશ્કેલીમાં મુકાઈ ગયેલી યજમાન ટીમના હિતમાં સૅમ બિલિંગ્સ ૧૧૮ રનની ઇનિંગ્સ રમવામાં સફળ થયો હતો. ઍડમ ઝેમ્પા અને જૉશ હેઝલવુડે અનુક્રમે ચાર અને ત્રણ વિકેટ લઈને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી જેને લીધે તેઓ પહેલી વન-ડે મૅચ જીતવામાં સફળ રહ્યા હતા.

ઍડીલેડમાં રમાશે ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝ

વર્ષના અંતમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચાર ટેસ્ટ મૅચની સિરીઝ ઍડીલેડમાં રમવાનું નક્કી થયું છે. હાલના સમયમાં ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ ઇંગ્લૅન્ડ સામે વન-ડે સિરીઝ રમી રહ્યા છે અને ત્યાર બાદ તેઓ આઇપીએલમાં રમતા જોવા મળશે. ઍડીલેડ ઓવલમાં બૅક ટુ બૅક ટેસ્ટ મૅચ રમાશે જેમાંથી એક-બે નાઇટ ટેસ્ટ મૅચ હશે. ક્રિકેટ સાઉથ ઑસ્ટ્રેલિયાએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે અમને જણાવતાં ખુશી થાય છે કે ઑસ્ટ્રેલિયન પુરુષ ક્રિકેટ ટીમ સાઉથ ઑસ્ટ્રેલિયા અને ઍડીલેડ ઓવલમાં ફરી એક વાર રમવા આવશે. પ્લેયર્સ અને જનતાની સુરક્ષા માટે અમે પ્રીમિયમ સ્ટિવન માર્શલ અને સાઉથ ઑસ્ટ્રેલિયન સરકાર સાથે યોગ્ય પગલાં લઈશું. અમને આશા છે કે ઓવલ હોટેલ ઇન્ટરનૅશનલ ક્રિકેટ માટે આ વર્ષે પણ સેવા કરવા ઉપલબ્ધ રહેશે.’

england australia cricket news sports news