ભારતની વૉર્મ-અપ મૅચમાં વિકેટકીપર શ્રીકાર ભરત હિટ, બાકી બધા ફ્લૉપ

24 June, 2022 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રૅક્ટિસ-મૅચ હોવાથી પુજારા, પંત, બુમરાહ, ક્રિષ્ના લેસ્ટરશરની ટીમ વતી રમ્યા

શ્રીકાર ભરત

લેસ્ટરમાં ગઈ કાલે ભારતના પ્રવાસની ચાર-દિવસીય વૉર્મ-અપ મૅચ શરૂ થઈ હતી જેમાં લેસ્ટરશર સામે રમતના અંત સુધીમાં રોહિત શર્મા ઍન્ડ કંપનીએ ૮ વિકેટના ભોગે ૨૪૬ રન બનાવ્યા હતા. વિકેટકીપર-બૅટર શ્રીકાર ભરત (૭૦ નૉટઆઉટ, ૧૧૧ બૉલ, ૧૫૮ મિનિટ, એક સિક્સર, આઠ ફોર) ટીમનો હાઇએસ્ટ-સ્કોરર હતો. રોહિત (૨૫ રન), શુભમન ગિલ (૨૧), હનુમા વિહારી (૩), વિરાટ કોહલી (૩૩), શ્રેયસ ઐયર (૦), રવીન્દ્ર જાડેજા (૧૩), શાર્દુલ ઠાકુર (૬), ઉમેશ યાદવ (૨૩)માંથી કોઈ પણ બૅટર લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો. મોહમ્મદ શમી ૧૮ રને રમી રહ્યો હતો.

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પહેલી જુલાઈએ એકમાત્ર ટેસ્ટની શરૂઆત થશે.

લેસ્ટરશર વતી ૨૧ વર્ષના ફાસ્ટ બોલર રોમન વૉકરે પાંચ, વિલ ડેવિસે બે અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક વિકેટ લીધી હતી. પ્રૅક્ટિસ-મૅચ હોવાથી ચેતેશ્વર પુજારા, રિષભ પંત, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના ભારતને બદલે લેસ્ટરશર વતી રમ્યા હતા. બુમરાહને ૩૪ રનમાં ભારતની એકેય વિકેટ નહોતી મળી, પરંતુ ક્રિષ્ના મિડલના બૅટર શ્રેયસ ઐયરની વિકેટ લેવામાં સફળ થયો હતો.
‍બોલર ક્રિષ્નાને બૅટર કોહલીની ટિપ્સ!

રસપ્રદ વાત એ છે કે ક્રિષ્નાએ ઐયરની વિકેટ લીધી એ પહેલાં તેને બૅટર વિરાટ કોહલી પાસેથી થોડી ટિપ્સ મળી હતી.

ગિલનો કૅચ પંતે પકડ્યો!
આ વૉર્મ-અપ મૅચમાં આઇપીએલ જેવો માહોલ હતો. આઇપીએલમાં ભારતીય ખેલાડી અન્ય કોઈ ભારતીયની વિકેટ લે એમ ક્રિષ્નાએ ઐયરની વિકેટ લીધી હતી, શુભમન ગિલનો કૅચ લેસ્ટરશર વતી કીપિંગ કરનાર વિકેટકીપર રિષભ પંતે ડેવિસના બૉલમાં પકડ્યો હતો. શ્રેયસનો કૅચ પણ પંતે જ પકડ્યો હતો.

અશ્વિન કોવિડ પછી પાછો ટીમ સાથે જોડાઈ ગયો

ટીમ ઇન્ડિયા સાથે ઇંગ્લૅન્ડનો પ્રવાસ પોતાના કોવિડ-પૉઝિટિવ રિપોર્ટને કારણે શરૂ ન કરી શકનાર રવિચન્દ્રન અશ્વિન ગઈ કાલે લેસ્ટરમાં ટીમ સાથે જોડાયો હતો. તે ટૂર મુલતવી રાખ્યા પછી ક્વૉરન્ટીનમાં હતો. ટીમ મૅનેજમેન્ટને ખાતરી છે કે અશ્વિન પહેલી જુલાઈએ શરૂ થનારી ટેસ્ટ પહેલાં ફુલ્લી ફિટ થઈ જશે.

sports sports news cricket news