આખી ટુર્નામેન્ટ દરમ્યાન કપિલ દેવ ખૂબ સારું રમ્યો હતો : વેંગસરકર

26 June, 2020 04:45 PM IST  |  Kolkata | Agencies

આખી ટુર્નામેન્ટ દરમ્યાન કપિલ દેવ ખૂબ સારું રમ્યો હતો : વેંગસરકર

વેંગસરકર

૧૯૮૩ની ૨૫ જૂને કપિલ દેવના નેતૃત્વમાં ભારત પહેલી વાર વર્લ્ડ કપ જીત્યું હતું. ગઈ કાલે આ વિક્ટરી ક્રિકેટની હસ્તીઓ દ્વારા યાદ કરવામાં આવી હતી. આ મેજર ટુર્નામેન્ટ પહેલાં ભારત માત્ર ૪૦ વન-ડે રમ્યું હતું. આ ટુર્નામેન્ટને યાદ કરતાં વેંગસરકરે કહ્યું કે ‘ભારતીય ક્રિકેટમાં થયેલી આ એક મોટી ઘટના છે. એ દિવસ પછી ભારતીય ક્રિકેટે ક્યારેય પાછળ ફરીને નથી જોયું. મને યાદ છે કે કપિલ એટલું સારું રમ્યો હતો કે તેને લગભગ મૅન ઑફ ધ ટુર્નામેન્ટ જાહેર કરાયો હતો. અમે દરેક પડકારનો સામનો કરીને છેલ્લે વેસ્ટ ઇન્ડીઝ સામે રમવા ઊતર્યા હતા, પણ આખી ટુર્નામેન્ટમાં કપિલ ખૂબ સારું રમ્યો હતો.’

કપિલે ૬૦.૬૦ની ઍવરેજથી ૩૦૩ રન બનાવ્યા હતા અને ઝિમ્બાબ્વે સામેના નૉઆઉટ ૧૭૫ રન આજે પણ સૌકોઈ ક્રિકેટપ્રેમીને યાદ હશે.

સામા પક્ષે મદનલાલનું કહેવું છે કે ‘વેસ્ટ ઇન્ડીઝ એ સમયે બેસ્ટ ટીમ હતી, પરંતુ તેઓ ભગવાન નહોતા. મદનલાલે કહ્યું કે ‘અમે ૧૯૭૫ અને ૧૯૭૯ના વર્લ્ડ કપમાં એક-એક મૅચ જીત્યા હતા. એ પછી ૧૯૮૩માં જ્યારે ઇંગ્લૅન્ડમાં વર્લ્ડક પ જીત્યા એ ભારતીય ક્રિકેટ માટે ઘણી મોટી વાત કહેવાય. અમે કોઈ પણ પ્રકારના પૈસા વગર વર્કશૉપમાં ઊતર્યા હતા. લોકોને લાગતું હતું કે અમે એક-બે મૅચ જીતીશું અને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જઈશું, પણ અમારી સાથે સાવ ઊલટું બન્યું અને દરેક પ્લેયરે પોતાની ટીમ માટે બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યો. ૧૯૮૨માં વન-ડે ગેમ અમે વેસ્ટ ઇન્ડીઝને હરાવી હતી. અમે જાણતા હતા કે અમે તેમને હરાવી શકીશું. ઇંગ્લૅન્ડમાં નાના ટાર્ગેટ પણ ડિફેન્ડ કરી શકાય છે એ વાતને ધ્યાનમાં રાખીને અમે અમારું કૅમ્પેન શરૂ કર્યું અને પહેલી મૅચ જીત્યા જેનાથી પ્લેયરોમાં આત્મવિશ્વાસ વધ્યો. આમ તો વેસ્ટ ઇન્ડીઝને હરાવવું સરળ નહોતું, તેઓ ઘણા સારા લયમાં હતા. તેમની ટીમ બેસ્ટ હતી, પણ તેઓ ભગવાન નહોતા. એટલે જ મેં કહ્યું કે ૧૯૮૩ની વિક્ટરી ક્રિકેટજગતના ઇતિહાસમાં ભારત માટે ઘણી અગત્યની છે. ભારત વર્લ્ડ કપ જીત્યા બાદ ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમ પણ વર્લ્ડ કપ જીતી શકી હતી.’

kapil dev dilip vengsarkar cricket news sports news