21 June, 2025 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કે. એલ. રાહુલ, કરુણ નાયર
સ્ટાર ભારતીય બૅટર કે. એલ. રાહુલ ઇંગ્લૅન્ડ ટેસ્ટ-સિરીઝથી કરુણ નાયરની ભારતીય ટીમમાં વાપસી વિશે ખૂબ જ ઉત્સાહિત છે. તે કહે છે કે ‘અમે ૧૧ વર્ષની ઉંમરે સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી અમે આ સફર પર છીએ. અમારા બન્નેના જીવનમાં ઉતાર-ચડાવ આવ્યા છે. તેને તક મળી ત્યારે તેણે ટ્રિપલ સેન્ચુરી ફટકારી અને એ પછી તેને ઘણાં કારણોસર મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં તેણે જે રીતે પ્રદર્શન કર્યું છે એ નોંધપાત્ર છે. તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો અને ભારતીય ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યો. મને આશા છે કે અમે બન્ને લાંબા સમય સુધી ભારતીય ટીમ માટે રમીશું.’
ઇંગ્લૅન્ડમાં કે. એલ. રાહુલનો ટેસ્ટ-રેકૉર્ડ શું છે?
રાહુલ પાસે ૫૮ ટેસ્ટ-મૅચનો અનુભવ છે જેમાં તેણે ૮ સેન્ચુરી અને ૧૭ ફિફ્ટીની મદદથી ૩૨૫૭ રન બનાવ્યા છે. તેણે વિદેશી ટીમોમાંથી સૌથી વધુ ઇંગ્લૅન્ડ સામે ૧૩ મૅચમાં ત્રણ સેન્ચુરી અને બે ફિફ્ટીને આધારે ૯૫૫ રન કર્યા છે. ઇંગ્લૅન્ડની ધરતી પર નવ ટેસ્ટમાં બે સેન્ચુરી અને એક ફિફ્ટી ફટકારીને તેણે ૬૧૪ રન કર્યા છે. વિદેશી ટીમની ધરતી પર આ તેના દ્વારા ફટકારેલા સૌથી વધુ ટેસ્ટ-રન છે.
વિરાટ અને રોહિત છેલ્લા દાયકાથી ભારતીય ક્રિકેટના આધારસ્તંભ રહ્યા છે અને તેમની ગેરહાજરી એક મોટું નુકસાન હશે. હું ક્યારેય એવી ભારતીય ટીમમાં રમ્યો નથી જ્યાં વિરાટ કે રોહિત ન હોય.
- કે. એલ. રાહુલ