સાઉથ આફ્રિકાના મહારાજે રચ્યો ઇતિહાસ

23 June, 2021 10:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૬૧ વર્ષ બાદ ટીમના બોલરને મળી ટેસ્ટમાં હૅટ-ટ્રિક, બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને ૧૫૮ રનથી હરાવીને આફ્રિકા ૨-૦થી સિરીઝ જીત્યું

ફીલ્ડર વિયાન મુલ્ડર સાથે જેસન હોલ્ડરની વિકેટની ઉજવણી કરતો કેશવ મહારાજ. મહારાજે કુલ પાંચ વિકેટ લીધી હતી. (તસવીર: એ.એફ.પી.)

કેશવ મહારાજે લીધેલી હૅટ-ટ્રિકના દમ પર બીજી ટેસ્ટમાં વેસ્ટ ​ઇન્ડીઝને ૧૫૮ રનથી હરાવી સાઉથ આફ્રિકાએ આ સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી. સેન્ટ લુસિયામાં સોમવારે રમાયેલી મૅચના ચોથા દિવસે વિજય માટે વેસ્ટ ઇન્ડીઝને ૩૨૪ રનની જરૂર હતી. એક સમયે વેસ્ટ ઇન્ડીઝે ૩ વિકેટે ૧૦૭ રન કર્યા હતા. ત્યાર બાદ લેફ્ટી સ્પિનર મહારાજે ૧૭.૩ ઓવરમાં ૩૬ રન આપી કુલ પાંચ વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ઇતિહાસમાં આવી સિદ્ધિ મેળવનાર તે સાઉથ આફ્રિકાનો બીજો બોલર બન્યો હતો. સમગ્ર ટીમ ૧૬૫ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

મહારાજે હૅટ-ટ્રિકમાં પહેલો શિકાર કિરોન પૉવેલનો કર્યો ત્યાર બાદ જેસન હોલ્ડર અને છેલ્લે જોશૂઆ ડિસિલ્વાને આઉટ કર્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમના કોચ માર્ક બાઉચરે ટીમની સફળતાનું શ્રેય કૅપ્ટન ડીન એલ્ગરને આપ્યું હતું.

sports news sports cricket news south africa west indies