22 February, 2025 09:35 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
કેરલાની ટીમે ગુજરાતને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરવાની ઉજવણી કરી.
ગઈ કાલે અમદાવાદમાં કેરલાની ટીમે ગુજરાત પર પ્રથમ ઇનિંગ્સમાં માત્ર બે રનની લીડ મેળવીને એની પહેલી રણજી ટ્રોફી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ક્રિકેટની આ ડોમેસ્ટિક ઇવેન્ટમાં ૧૯૫૭માં ડેબ્યુ કર્યા પછી ૬૮ વર્ષ પછી કેરલા પહેલી વાર ફાઇનલમાં પહોંચ્યું છે. ગુજરાતને સેમી ફાઇનલ મૅચના અંતિમ દિવસે પ્રથમ ઇનિંગ્સની લીડ મેળવવા માટે ફક્ત ૨૯ રનની જરૂર હતી અને ૨૦૧૬-’૧૭ રણજી ટ્રોફી ચૅમ્પિયન ટીમે સવારે સાત વિકેટે ૪૨૯ રનથી શરૂઆત કરી હતી, પણ ગુજરાતની ટીમે ૨૬ રન ઉમેરીને બાકીની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પહેલાં કેરલાની ટીમે જમ્મુ-કાશ્મીર સામે પહેલી ઇનિંગ્સમાં એક રનની લીડ મેળવીને સેમી ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.
ગુજરાત પહેલી ઇનિંગ્સમાં લીડ મેળવીને ત્રીજી વાર ફાઇનલમાં પહોંચ્યું હોત, પણ કેરલાની ટીમે બાજી પલટીને ઇતિહાસ રચ્યો હતો. પોતાની પહેલી રણજી ફાઇનલમાં સ્થાન મેળવ્યા બાદ કેરલાએ ઔપચારિક બીજી ઇનિંગ્સમાં સરળતાથી બૅટિંગ કરી અને ડ્રૉ થયેલી મૅચમાં બીજી ઇનિંગ્સમાં ૪૬ ઓવરમાં ૪ વિકેટે ૧૧૪ રન બનાવ્યા. કેરલાનો વિકેટકીપર-બૅટર મોહમ્મદ અઝહરુદ્દીન પહેલી ઇનિંગ્સમાં ૩૪૧ બૉલમાં ૨૦ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ ૧૭૭ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.