૩૮ વર્ષના લેગ-સ્પિનર કર્ણ શર્માએ ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

24 August, 2026 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩ અલગ ટીમો માટે IPL ટાઇટલની હૅટ-ટ્રિક જીતનાર એકમાત્ર ક્રિકેટર છે

કર્ણ શર્મા

ઉત્તર પ્રદેશના મેરઠમાં જન્મેલા લેગ-સ્પિનર ​​કર્ણ શર્માએ ૩૮ વર્ષ ૩૦૩ દિવસની ઉંમરે પોતાની ક્રિકેટ કરીઅર માટે મોટો નિર્ણય લીધો છે. કર્ણ શર્માએ ઇન્ટરનૅશનલ અને ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ૨૫ ઑગસ્ટે કાનપુર સુપરસ્ટાર્સ છેલ્લી વખત લખનઉમાં યુપી T20 લીગની મૅચ રમીને અલવિદા કહેશે. 
૨૦૧૪માં કર્ણ શર્માએ પોતાની ટૂંકી ઇન્ટરનૅશનલ કરીઅરમાં ભારત માટે એક ટેસ્ટ-મૅચ, બે વન-ડે મૅચ અને એક T20 મૅચ રમી હતી. તે માત્ર ટેસ્ટ-મૅચમાં ૪ વિકેટ લઈને ૮ રન કરી શક્યો હતો. ૨૦૧૫માં ઝિમ્બાબ્વેની મર્યાદિત ઓવરની ટૂર માટે તેની પસંદગી થઈ હતી. જોકે તે ઇન્જરીને કારણે રમી શક્યો નહોતો. 
કર્ણ શર્મા ૩ અલગ ટીમો માટે IPL ટાઇટલની હૅટ-ટ્રિક જીતનાર એકમાત્ર ક્રિકેટર બનવાનો અનોખો ગર્વ ધરાવે છે. તેણે ૨૦૧૬માં સનરાઇઝર્સ હૈદરાબાદ, ૨૦૧૭માં મુંબઈ ઇન્ડિયન્સ અને ૨૦૧૮માં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે IPL ટાઇટલ જીત્યું હતું. 
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે પણ ૩ સીઝન રમનાર કર્ણ શર્માએ ૯૦ IPL મૅચમાં ૮૩ વિકેટ લીધી હતી. ૨૦૨૫માં તે છેલ્લી વખત મુંબઈ ઇન્ડિયન્સ માટે રમ્યો હતો અને ૬ મૅચમાં ૭ વિકેટ લીધી હતી. 
કર્ણ શર્મા રેલવે, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, વિદર્ભ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો છે. ૯૭ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચમાં તેણે ૨૭૦ વિકેટ લેવાની સાથે ૨૮૬૬ રન કર્યા હતા. લિસ્ટ A ક્રિકેટની ૧૨૩ મૅચમાં તેણે ૧૫૩ વિકેટ ઝડપી હતી. 

karn sharma sunrisers hyderabad mumbai indians chennai super kings royal challengers bangalore cricket news sports news sports