મને ખબર છે કે આપણે કોરોના સામેની લડાઈ જીતીશું : કપિલ દેવ

28 March, 2020 02:51 PM IST  |  New Delhi | Agencies

મને ખબર છે કે આપણે કોરોના સામેની લડાઈ જીતીશું : કપિલ દેવ

કપિલ દેવ

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર અને કૅપ્ટન કપિલ દેવને વિશ્વાસ છે કે આપણે કોરોના વાઇરસ સામેની લડાઈ જીતીશું. આ વિશે વધુ જણાવતાં કપિલે દેવે કહ્યું કે ‘તમને ઘરે રહેવાનું કહ્યું છે તો મહેરબાની કરીને ઘરે રહો. આ સૌથી છેલ્લી રીત છે જેનાથી આપણે એકબીજાને અને જે-તે અધિકારીઓને કોરોના સામે લડવામાં મદદ કરી શકીએ છીએ. આને આપણે પૉઝિટિવ દૃષ્ટિકોણથી જોઈને આગળ વધવું જોઈએ. લૉકડાઉન અથવા તો ઘરે રહો. આ પરિસ્થિતિને સ્વીકારવા માટે તમારે તમારી જાતને બદલવી પડશે. તમારા ઘરમાં તમારા પરિવાર સાથે તમારે રહેવાનું છે. ઘરમાં રહીને તમે ટીવી, બુક્સ કે મ્યુઝિક દ્વારા પોતાનું અને પરિવારજનોનું એન્ટરટેઇનમેન્ટ કરી શકો છો. સૌથી સારું છે પોતાના પરિવારજનો સાથે વાતચીત કરો.’

આ વિશે કપિલ દેવે કહ્યું કે ‘હું રોજ ઘર અને ગાર્ડન સાફ કરું છું. હવે મારું નાનું ગાર્ડન મારું ગૉલ્ફ કોર્સ પણ બની ગયું છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી મારા પરિવાર સાથે રહેવાની તક હું ગુમાવતો હતો એ હવે મળી ગઈ છે એટલે મારા પરિવાર સાથે હું વધારે સમય વિતાવું છું. મારા કુકને પણ મેં રજા આપી દીધી છે. હું પોતે રસોઈ બનાવું છું. હું મારી ડિશ પણ જાતે જ ધોઉં છું. આ બધું હું ઇંગ્લૅન્ડમાં હતો ત્યારે શીખ્યો હતો. મારી પત્ની રોમી પણ મને એમાં જૉઇન કરે છે.’

આ મુશ્કેલ સમય વિશે કપિલ દેવે કહ્યું કે ‘હાઇજીનનો મતલબ લોકો સમજી ગયા હશે. હાથ ધોવાનું કારણ અને જાહેરમાં થૂંકવુ નહીં અને પેશાબ નહીં કરવાનું તેઓ કસમ લે તો સારું. આપણે આપણી આસપાસની જગ્યા સાફ રાખવી જરૂરી છે. હું હંમેશાં પૉઝિટિવ રહેવામાં વિશ્વાસ કરું છું. ક્રિકેટમાં સેન્ચુરી કર્યા બાદ તમે આગામી મૅચમાં ઝીરો પર આઉટ થઈ શકો છો. છેલ્લી મૅચમાં ઘણી વિકેટ લીધા બાદ આગામી મૅચમાં બની શકે તમને એક પણ વિકેટ નહીં મળે. મેં જોયું અને સાંભળ્યું છે કે ક્રાઇસિસના સમયમાં આપણે કેવી રીતે એને હૅન્ડલ કરી છે અને મુશ્કેલીમાંથી આપણે બહાર આવ્યા છીએ. ઇન્ડિયાના તાકાત એના કલ્ચરમાં છે. આ કલ્ચર છે એકબીજાની દેખભાળ કરવાની અને સિનિયર સિટિઝનની કાળજી રાખવાની. મને ખાતરી છે કે આપણે ઘરની અંદર રહીને સરકાર અને ડૉક્ટરોને સાથ આપીને આ મુશ્કેલીમાંથી બહાર આવી શકીએ છીએ.’

kapil dev sports news cricket news coronavirus covid19