વિલિયમસનના 89 રન પડી શકે છે ઇન્ડિયાને ભારે

23 February, 2020 01:38 PM IST  |  Wellington

વિલિયમસનના 89 રન પડી શકે છે ઇન્ડિયાને ભારે

કેન વિલિયમસન

કેન વિલિયમસને ૮૯ રનની ઇનિંગ રમીને ન્યુ ઝીલૅન્ડનું પલડું વધુ ભારે કરી દીધું છે. ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટના પહેલા દિવસે ઇન્ડિયાના પાંચ વિકેટે ૧૨૨ રન હતા. બીજા દિવસની શરૂઆતમાં ૧૯ રન કરીને રિષભ પંત રનઆઉટ થયો હતો. બીજા દિવસે ૪૩ રનમાં બાકીની પાંચ વિકેટ પડી ગઈ હતી અને ભારત પહેલી ઇનિંગમાં ૧૬૫ રનમાં ઑલઆઉટ થયું હતું. પંત બાદ અજિંક્ય રહાણેની વિકેટ પડી હતી. રહાણે પાસે ઇન્ડિયાએ વધુ આશા રાખી હતી અને તે ફક્ત ૪૬ રન કરી શક્યો હતો. જોકે ઇન્ડિયાના તમામ પ્લેયરમાં સૌથી વધુ રન રહાણેના હતા. પહેલા દિવસે ત્રણ વિકેટ લેનાર કાયલ જેમિસને ગઈ કાલે પણ એક વિકેટ લીધી હતી. તેણે ઇશાન્ત શર્માને આઉટ કર્યો હતો. જેમિસન સાથે ટિમ સાઉધીએ પણ ટોટલ ચાર વિકેટ લીધી હતી.
ઇન્ડિયાને ૧૬૫ રનમાં ઑલઆઉટ કર્યા બાદ ન્યુ ઝીલૅન્ડની ટીમ બૅટિંગમાં આવી હતી. તેઓ પાંચ વિકેટના નુકસાને ૨૧૬ રન કરીને બૅટિંગમાં છે. ઓપનર ટૉમ લૅથમ (૧૧ રન) અને ટૉમ બ્લન્ડેલ (૩૦ રન) બન્ને ઇશાન્ત શર્માનો શિકાર બન્યા હતા. ત્યાર બાદ કેન વિલિયમસન અને રૉસ ટેલરની જોડીએ ખૂબ સારી લડત આપી હતી. ટેલર ૪૪ રન કનેરી ઇશાન્ત શર્માનો શિકાર બન્યો હતો અને વિલિયમસન ૮૯ રન કરીને મોહમ્મદ શમીનો શિકાર બન્યો હતો. આ જોડીએ ન્યુ ઝીલૅન્ડને આગળ લઈ જવામાં મહ્વનો ભાગ ભજવ્યો છે. બીજા દિવસના અંતે બી. જે. વૉટલિંગ ૧૪ અને કૉલિન ડી ગ્રેન્ડહોમ ચાર રન કરી બૅટિંગમાં છે. ઇશાન્ત શર્માએ સૌથી ઓછા રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. શમી અને રવિચંદ્રન અશ્વિનને એક-એક વિકેટ મળી હતી, જ્યારે જસપ્રીત બુમરાહને એક પણ વિકેટ નથી મળી.

પંતના રનઆઉટ સાથે સવારની સારી શરૂઆત થઈ હતી : સાઉધી

ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉધીનું કહેવું છે કે બીજા દિવસે રિષભ પંત રનઆઉટ થતાં સવારની સારી શરૂઆત થઈ હતી. બીજા દિવસની શરૂઆતમાં ફક્ત ૯ રન કરીને પંત ચોથી ઓવરમાં રનઆઉટ થયો હતો. આ વિશે સાઉધીએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે પંતને રનઆઉટ કરવાથી અમારી સવારની સારી શરૂઆત થઈ હતી. તે ખૂબ ખતરનાક પ્લેયર છે. ૮૦ ઓવર બાદ બદલાતા બીજા નવા બૉલમાં તે ખૂબ જ સારી બૅટિંગ કરે છે અને રહાણેની સાથે તે ટીમને સારી પોઝિશન પર પહોંચાડવા માટે સક્ષમ હતો. રહાણેને અગ્રેસિવ રમતો કેવી રીતે કરવો એની અમને ખબર હતી અને એનાથી અમે ફાયદો ઉઠાવ્યો. અમારી બોલિંગ ખૂબ સારી હતી.’

અમે કમબૅક કરીશું અને એ અમારી સ્પેશ્યલિટી છે : ઇશાન્ત શર્મા

બીજા દિવસે ન્યુ ઝીલૅન્ડની ટીમ ડોમિનેટ કરી રહી હોવા છતાં ઇશાન્ત શર્માનું કહેવું છે કે તેઓ કમબૅક કરશે. પહેલી ઇનિંગમાં ઇન્ડિયાનો સ્કોર ૧૬૫ રન છે અને બીજા દિવસના અંતે ન્યુ ઝીલૅન્ડ પાંચ વિકેટના નુકસાને ૨૧૬ રન કરીને આગળ છે. પાંચમાંથી ત્રણ વિકેટ લેનાર ઇશાન્તનું કહેવું છે કે ‘અમને વિશ્વાસ છે કે અમે કમબૅક કરીશું. અમારી ટીમની એ સ્પેશ્યલિટી છે.’

હું બે દિવસમાં ફક્ત ચાર કલાક સૂતો હોઈશ. મારી બૉડી આજે મને ખૂબ જ પરેશાન કરી રહી હતી. હું મારી બૉડીથી ખુશ નહોતો. હું જે રીતે બૉલ નાખવા માગતો હતો એ નહોતો નાખી શક્યો. તેમણે મને રમવાનું કહ્યું અને હું રમ્યો. ટીમ માટે હું કંઈ પણ કરી શકું છું

- ઇશાન્ત શર્મા

kane williamson Rishabh Pant ajinkya rahane virat kohli new zealand india t20 test cricket cricket news sports news