05 May, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅગિસો રબાડા
સાઉથ આફ્રિકાના ૨૯ વર્ષના ફાસ્ટ બોલર કૅગિસો રબાડા વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તેને પ્લેઝર ડ્રગ (મોજ-મસ્તી માટેનો નશો) માટે ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત પદાર્થના ઉપયોગ બદલ ક્રિકેટ રમવા પર અસ્થાયી સસ્પેન્શનનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત ટાઇટન્સે તેને મેગા ઑક્શનમાં ૧૦.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ગુજરાત માટે પહેલી બે મૅચમાં કુલ બે વિકેટ લઈને અંગત કારણસર સ્વદેશ પરત ફર્યો હતો. પચીસમી મેએ તે ૩૦ વર્ષનો થશે.
સાઉથ આફ્રિકન ક્રિકેટર્સ અસોસિએશન (SACA) દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં તેણે કહ્યું કે ‘હું વ્યક્તિગત કારણસર IPLમાં ભાગ લીધા પછી સાઉથ આફ્રિકા પાછો ફર્યો છું. આનું કારણ એ છે કે પરીક્ષણમાં પ્રતિબંધિત પદાર્થની હાજરી જાહેર થઈ છે જેનો ઉપયોગ નશા અને મનોરંજન માટે થાય છે. હું અસ્થાયી સસ્પેન્શન ભોગવી રહ્યો છું. મેં જે લોકોને નિરાશ કર્યા છે તેમના માટે હું ખૂબ જ દુખી છું. હું ક્રિકેટ રમવાના વિશેષાધિકારને ક્યારેય હળવાશથી નહીં લઉં. એ વિશેષાધિકાર મારા કરતાં મોટો છે. એ મારી વ્યક્તિગત આકાંક્ષાઓથી આગળ વધે છે. હું એકલો આ પરિસ્થિતિમાંથી પસાર થઈ શક્યો ન હોત. હું મારા એજન્ટ, ક્રિકેટ સાઉથ આફ્રિકા અને ગુજરાત ટાઇટન્સનો તેમના સમર્થન બદલ આભાર માનું છું. મને ગમતી રમતમાં ટૂંક સમયમાં પાછા ફરવા માટે આતુર છું.’
તેના નમૂનામાં કયો પદાર્થ હતો અને તેનું પરીક્ષણ IPL પહેલાં થયું હતું કે દરમ્યાન એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.