ઑસ્ટ્રેલિયન ટીમને વધુ એક ફટકો, T20 વર્લ્ડ કપમાંથી બહાર થયો જૉશ હેઝલવુડ

07 February, 2026 07:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિચલ સ્ટાર્કે ઑસ્ટ્રેલિયા તરફથી આ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, જ્યારે કમિન્સ પણ હેઝલવુડની જેમ ઇન્જરીને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થયો હતો.

ઑસ્ટ્રેલિયન ટીમને વધુ એક ફટકો, T20 વર્લ્ડ કપમાંથી બહાર થયો જૉશ હેઝલવુડ

ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જૉશ હેઝલવુડને મેન્સ T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર કરવામાં આવ્યો છે, કારણ કે તે હૅમસ્ટ્રિંગ ઇન્જરીમાંથી સમયસર ઠીક થઈ શક્યો નથી. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ૩૫ વર્ષના આ મુખ્ય પેસ બોલરની ગેરહાજરીની જાહેરાત કરીને રિપ્લેસમેન્ટ ખેલાડીનું નામ પછીથી જાહેર કરવામાં આવશે એવી સ્પષ્ટતા પણ કરી છે. આ અગાઉ તે T20 વર્લ્ડ કપ માટે ઑસ્ટ્રેલિયા સ્ક્વૉડ સાથે મોડેથી જોડાશે એવી ચર્ચા હતી. ઇન્જરીને કારણે તે ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં પણ ભાગ લઈ શક્યો નહોતો. 
૨૦૨૩નો વન-ડે વર્લ્ડ કપ જીતવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવનાર ઑસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલિંગ ત્રિપુટી મિચલ સ્ટાર્ક, પૅટ કમિન્સ અને જૉશ હેઝલવુડ આ વર્લ્ડ કપમાં નહીં જોવા મળશે. મિચલ સ્ટાર્કે ઑસ્ટ્રેલિયા તરફથી આ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, જ્યારે કમિન્સ પણ હેઝલવુડની જેમ ઇન્જરીને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થયો હતો. ફાસ્ટ બોલર તરીકે ઑસ્ટ્રેલિયા માટે આ ફૉર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે આ ત્રણેય બોલર્સ ટૉપ પર છે. ત્રણેય પહેલી વખત ૨૦૧૪નો T20 વર્લ્ડ કપ એકસાથે રમ્યા હતા.

australia t20 world cup cricket news sports news sports