અમદાવાદમાં રાજસ્થાનના ‘જૉસ’નું ‘હાર્દિક’ સ્વાગત છે

28 May, 2022 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૉસ બટલરની અણનમ સદીથી બૅન્ગલોરનું સપનું ફરી ચકનાચૂર : આવતી કાલે અમદાવાદમાં હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ સાથે ફાઇનલ ટક્કર

રવિવારે રાત્રે ૮થી અમદાવાદમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ફાઇનલ

ઇંગ્લૅન્ડના જૉસ બટલરે (અણનમ ૧૦૬, ૬૦ બૉલ, છ સિક્સર, દસ ફોર) ગઈ કાલે ૨૦૦૮ની સૌપ્રથમ ટ્રોફીની વિજેતા રાજસ્થાન રૉયલ્સની ટીમને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે ધમાકેદાર જીત અપાવીને રવિવારની ફાઇનલમાં પહોંચાડી હતી. એમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રૉયલ્સના જોશ વચ્ચે ટક્કર થશે.
સંજુ સૅમસનની કૅપ્ટન્સીવાળી રાજસ્થાનની ૧૫ વર્ષમાં આ બીજી જ ફાઇનલ છે, જ્યારે ગુજરાતની ટીમની આ પહેલી સીઝન છે અને એમાં એ ફાઇનલમાં પહોંચી ગઈ છે.
રાજસ્થાન દ્વારા આ વખતે ૧૦ કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવેલા બટલરે આઇપીએલની એક સીઝનમાં સૌથી વધુ ચાર સેન્ચુરી ફટકારવાના વિરાટ કોહલીના ૨૦૧૬ની સાલના રેકૉર્ડની બરાબરી કરી હતી. તેણે સદી કર્યા બાદ હર્ષલ પટેલના બૉલમાં વિનિંગ સિક્સર ફટકારી હતી. રાજસ્થાને ૧૫૮ રનના લક્ષ્યાંક સામે ૧૮.૧ ઓવરમાં ત્રણ વિકેટે ૧૬૧ રન બનાવ્યા હતા. ઓપનર યશસ્વી જૈસવાલે ૨૧ અને કૅપ્ટન સૅમસને ૨૩ રન બનાવ્યા હતા. બૅન્ગલોરના બોલર્સમાંથી જૉશ હૅઝલવુડે બે અને વનિન્દુ હસરંગાએ એક વિકેટ લીધી હતી. હર્ષલ, સિરાજ, મૅક્સવેલ, શાહબાઝને વિકેટ નહોતી મળી.
બૅન્ગલોરનો હસરંગા ગઈ કાલે સીઝનની ૨૬મી વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. એ સાથે તેણે બૅન્ગલોરના યુઝવેન્દ્ર ચહલની હાઇએસ્ટ ૨૬ વિકેટની બરાબરી કરી હતી. જોકે ચહલને એકલાને રવિવારે ફાઇનલમાં હાઇએસ્ટ વિકેટ-ટેકર (પર્પલ કૅપ) મેળવવાનો મોકો છે.
કોહલીના ફક્ત ૭ રન
એ પહેલાં બૅન્ગલોરે ૮ વિકેટે જે ૧૫૭ રન બનાવ્યા એમાં રજત પાટીદાર (૫૮ રન, ૪૨ બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. જોકે ત્યારે બૅન્ગલોરની ટીમની કમનસીબી એ હતી કે ટીમમાં આ ફક્ત એક હાફ સેન્ચુરી હતી. વિરાટ કોહલી (૭ રન) ફરી આઉટ-ઑફ-ફૉર્મ હતો, જ્યારે બીજા સ્ટાર બૅટર્સમાં કૅપ્ટન ફૅફ ડુ પ્લેસી પચીસ રન અને ગ્લેન મૅક્સવેલ ૨૪ રન બનાવી શક્યા હતા.
કાર્તિક પણ સસ્તામાં આઉટ
દિનેશ કાર્તિક ખરા સમયે સારું ન રમી શક્યો. તે સાતમા બૉલે છ રન પર હતો ત્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાના બૉલમાં લૉન્ગ-ઑન પર રિયાન પરાગના હાથમાં કૅચઆઉટ થયો હતો. ક્રિષ્ના અને ઑબેડ મૅકોયે ત્રણ-ત્રણ અને ટ્રેન્ટ બૉલ્ટ તથા આર. અશ્વિને એક-એક વિકેટ લીધી હતી. સ્પર્ધાના સુપરસ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલને ૪૫ રનમાં એક પણ વિકેટ નહોતી મળી. 

રવિવારે રાત્રે ૮થી અમદાવાદમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ફાઇનલ

cricket news sports news sports