02 February, 2025 08:52 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પુણેમાં પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન ઇંગ્લૅન્ડના કૅપ્ટન જોસ બટલરે આપ્યા હતા સવાલોના જવાબ.
પુણેમાં ચોથી T20 મૅચ દરમ્યાન કન્કશન સબ્સ્ટિટ્યુટ તરીકે ઑલરાઉન્ડર શિવમ દુબેના સ્થાને ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ઉતારવાના ભારતના નિર્ણય પર ઇંગ્લૅન્ડના કૅપ્ટન જોસ બટલરે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. કન્કશન સબ્સ્ટિટ્યુટના નિયમ અનુસાર જ્યારે પ્લેયરને માથા પર બૉલ વાગ્યો હોય ત્યારે તેની જગ્યાએ સમાન ક્ષમતા ધરાવતા ટીમના અન્ય પ્લેયરને સબ્સ્ટિટ્યુટ તરીકે મૂકવામાં આવે છે. પુણેમાં પ્લેયર ઑફ ધ મૅચ બનેલો શિવમ દુબે એક ઑલરાઉન્ડર છે, જ્યારે હર્ષિત રાણા એક ફાસ્ટ બોલર.
જોસ બટલરે કટાક્ષ કરતાં કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે સમાન ક્ષમતા ધરાવતા પ્લેયરને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. અમે આ સાથે સહમત નથી. મને લાગે છે કે શિવમ દુબેએ તેની બોલિંગમાં પચીસ માઇલ પ્રતિ કલાકની વધારાની ગતિ ઉમેરી છે અથવા હર્ષિતે તેની બૅટિંગમાં ખરેખર સુધારો કર્યો છે. મને હજી પણ લાગે છે કે અમારે મૅચ જીતવી જોઈતી હતી. પણ હા, અમે આ નિર્ણય સાથે અસંમત છીએ. આ બાબતે અમારી સાથે સલાહ લેવામાં આવી નહોતી. આ નિર્ણય મૅચ-રેફરીએ લીધો હતો. એથી એમાં અમારાં કોઈ મંતવ્યો સામેલ નથી. અમે મૅચ-રેફરી જાવાગલ શ્રીનાથને કેટલાક પ્રશ્નો પૂછીશું જેથી એ વિશે થોડી સ્પષ્ટતા મળી શકે. કદાચ આગામી મૅચમાં ટૉસ વખતે હું કહીશ કે અમે પણ ૧૨ પ્લેયર્સ સાથે મૅચ રમીશું.’ બટલરે આડકતરી રીતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ઇમ્પેક્ટ પ્લેયર રૂલ સાથે એની સરખામણી કરી હતી.