શુભમન ગિલ કૅપ્ટન તરીકે રોહિત શર્મા અને વિરાટ કોહલીનું મિશ્રણ છે : બટલર

19 June, 2025 08:35 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ગિલ બન્ને પાસેથી ઘણું શીખ્યો છે, પરંતુ તે મેદાન પર સંપૂર્ણપણે અલગ દેખાશે. તે બૅટર અને કૅપ્ટન, બન્ને ભૂમિકા અલગ-અલગ રીતે ભજવવાનો પ્રયાસ કરશે.

શુભમન ગિલ, જૉસ બટલર

ઇન્ડિયર પ્રીમિયર લીગ (IPL)માં શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ગુજરાત ટાઇટન્સ માટે રમનાર જૉસ બટલરે ભારતના નવા ટેસ્ટ-કૅપ્ટનની પ્રશંસા કરી છે. ૩૪ વર્ષનો જૉસ બટલર પચીસ વર્ષના શુભમન ગિલ વિશે કહે છે કે ‘તે ખરેખર પ્રભાવશાળી પ્લેયર છે. તે બોલતી વખતે ખૂબ જ શાંત અને સંતુલિત છે. મને લાગે છે કે તે મેદાન પર પોતાને પડકાર આપે છે. તેનામાં ઘણો જુસ્સો છે. તે કૅપ્ટન તરીકે વિરાટ કોહલી અને રોહિત શર્માનું મિશ્રણ છે.’

છેલ્લે વર્ષ ૨૦૨૨માં ટેસ્ટ-ક્રિકેટ રમનાર બટલર આગળ કહે છે, ‘કોહલી ખરેખર ખૂબ જ આક્રમક હતો. તેણે ભારતીય ટીમને સંપૂર્ણપણે બદલી નાખી. તેણે ટીમને મૅચ માટે તૈયાર કરી. રોહિત થોડો અલગ હતો, થોડો શાંત અને સંયમિત, પરંતુ તેની પાસે એક મહાન લડાઈની ભાવના હતી. ગિલ બન્ને પાસેથી ઘણું શીખ્યો છે, પરંતુ તે મેદાન પર સંપૂર્ણપણે અલગ દેખાશે. તે બૅટર અને કૅપ્ટન, બન્ને ભૂમિકા અલગ-અલગ રીતે ભજવવાનો પ્રયાસ કરશે.’

વિદેશમાં પોતાનો ટેસ્ટ-રેકૉર્ડ સુધારી શકશે શુભમન ગિલ? 
શુભમન ગિલે ડિસેમ્બર ૨૦૨૦થી હમણાં સુધી રમેલી ૩૨ ટેસ્ટમાંથી ઘરઆંગણે ૧૭ અને વિદેશમાં ૧૫ ટેસ્ટ-મૅચ રમી છે જેમાં પોતાની ધરતી પર તેણે ચાર સેન્ચુરી અને પાંચ ફિફ્ટી સાથે ૧૧૭૭ રન બનાવ્યા છે, જ્યારે વિદેશમાં માત્ર એક સેન્ચુરી અને બે ફિફ્ટી ફટકારીને ૭૧૬ રન કર્યા છે. ઇંગ્લૅન્ડમાં ત્રણ મૅચમાં માત્ર ૮૮ ટેસ્ટ-રન બનાવી શક્યો છે.  ‘મને લાગે છે કે ભારતીય ટેસ્ટ-કૅપ્ટન વડા પ્રધાન પછી ભારતમાં ત્રીજા કે ચોથા ક્રમનો સૌથી પ્રભાવશાળી વ્યક્તિ છે. એથી એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ જવાબદારી છે’ - ઇંગ્લૅન્ડનો વિકેટકીપર-બૅટર જૉસ બટલર.

shubman gill jos buttler rohit sharma virat kohli cricket news sports news sports test cricket