20 July, 2025 06:57 AM IST | London | Gujarati Mid-day Correspondent
જૉની બેરસ્ટૉ
ઇંગ્લૅન્ડનો અનુભવી વિકેટકીપર-બૅટર જૉની બેરસ્ટૉ છેલ્લા એક વર્ષથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરી શક્યો નથી. આ ૩૫ વર્ષનો ક્રિકેટર છેલ્લે ભારત સામે T20 વર્લ્ડ કપ ૨૦૨૪ની સેમી ફાઇનલમાં ઝીરો પર આઉટ થયો ત્યાર બાદથી નૅશનલ ટીમમાં સ્થાન મેળવવા સંઘર્ષ કરી રહ્યો છે. હાલમાં તેણે પોતાની ગેરહાજરી અને અવગણના વિશે મૌન તોડ્યું છે.
તેણે કહ્યું હતું કે ‘હું હજી પણ કરારબદ્ધ છું. મેં સિલેક્ટર્સ તરફથી મારા વિશે કંઈ વધુ સાંભળ્યું નથી, પરતું હું હજી ટીમનો એક અભિન્ન ભાગ છું. લિમિટેડ ઓવર્સના નવા કૅપ્ટન હૅરી બ્રૂક એક ચોક્કસ પ્રકારનો પ્લેયર ઇચ્છે છે જે વિશ્વના શ્રેષ્ઠ બોલરોને હરાવી શકે અને હું ચોક્કસપણે એ માળખામાં ફિટ છું અને લાંબા સમયથી એ કરી રહ્યો છું.’
તેણે વધુમાં કહ્યું હતું કે ‘હું પગની ઘૂંટીની ઇન્જરીમાંથી વાપસી કર્યા પછી એક પણ રમત ચૂક્યો નથી. હું કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં અને પછી ધ હન્ડ્રેડમાં પણ મેદાન પર ઘણો સમય વિતાવીને ખૂબ ખુશ છું. શક્તિની દૃષ્ટિએ હું ચોક્કસપણે રમી રહ્યો છું. જૉની બેરસ્ટૉ ઇંગ્લૅન્ડ માટે ૧૦૦ ટેસ્ટ, ૧૦૭ વન-ડે અને ૮૦ T20 મૅચ રમી ચૂક્યો છે. ઇંગ્લૅન્ડની ટીમમાં હાલમાં જેમી સ્મિથ, જોસ બટલર અને ફિલ સૉલ્ટ વિકેટકીપર-બૅટર તરીકે સારી ભૂમિકા ભજવી રહ્યા છે.