નિરાશા અને ઇમોશન્સમાં આવીને હું ભવિષ્યનો નિર્ણય નહીં લઉં : ડુપ્લેસી

29 January, 2020 03:13 PM IST  |  Johannesburg

નિરાશા અને ઇમોશન્સમાં આવીને હું ભવિષ્યનો નિર્ણય નહીં લઉં : ડુપ્લેસી

ફૅફ ડુ પ્લેસી

ફૅફ ડુ પ્લેસીનું કહેવું છે કે નિરાશા અને ઇમોશન્સને કારણે હું મારા ભવિષ્યને લગતો કોઈ નિર્ણય લેવા નથી માગતો. ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાર ટેસ્ટ મૅચની સિરીઝ ૩-૧થી ગુમાવ્યા બાદ યજમાન ટીમના કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીની કપ્તાની પર સવાલ ઊભા થઈ રહ્યા છે. તેને અગાઉ વન-ડે ટીમના કૅપ્ટનપદેથી હટાવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત શું આ હારને લીધે તે પોતે ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેશે? એ પ્રશ્નએ પણ જોર પકડ્યું છે. છેલ્લી ટેસ્ટ મૅચ બાદની પ્રેસ કૉન્ફરન્સમાં પોતાના રિટાયરમેન્ટ વિશે વાત કરતાં ડુ પ્લેસીએ કહ્યું, ‘મને લાગે છે કે તમે મને એ તરફ ધકેલી રહ્યા છો. તમે જ્યારે લાગણીશીલ હો કે નિરાશ હો ત્યારે કોઈ નિર્ણય નથી લઈ શકતા. મને ખબર છે કે પરિણામ સારું નથી અને એનાથી તમે સમજી શકશો કે અમારી ટીમનો કૉન્ફિડન્સ હમણાં કેવો હશે. ક્રિકેટથી દૂર જઈને થોડા સમય માટે ફ્રેશ થઈએ અને ફરી પાછા ટી૨૦માં કમબૅક કરીએ. હું હમણાં ઘણો નિરાશ છું અને જાણું છું કે કોચિંગ સ્ટાફ સહિત અમારા ફૅન્સ પણ ઘણા નારાજ હશે. જોકે આવી પરિસ્થિતિમાંથી દરેક ટીમે પસાર થવું પડે છે અને હાલમાં અમે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ.’

england south africa cricket news sports news johannesburg faf du plessis