૬૬ નંબરની જર્સી પહેરતા જો રૂટે કૅપ્ટન તરીકેની ૬૬મી ટેસ્ટ-મૅચમાં ૬૬ રન કર્યા

22 August, 2026 11:14 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ ૬૮ ફિફ્ટી ફટકારવા મામલે સચિન તેન્ડુલકરના રેકૉર્ડની બરાબરી પણ કરી લીધી

જો રૂટ

પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટ-મૅચમાં ઇંગ્લૅન્ડે પોતાની પકડ મજબૂત બનાવી છે. લીડ્સમાં પાકિસ્તાનના ૧૭૧ રનના સ્કોર સામે ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગ્સમાં હૅરી બ્રૂકના ૯૧ રન અને જૉર્ડન કૉક્સના ૭૩ રનની મદદથી ૮૯.૫ ઓવરમાં ૪૦૯-૧૦નો સ્કોર કર્યો હતો. ગઈ કાલે ત્રીજા દિવસની રમતમાં લંચ-બ્રેક સુધીમાં પાકિસ્તાને બીજી ઇનિંગ્સમાં ૧૯ ઓવર રમીને ૫૯ રને ત્રણ વિકેટ ગુમાવી હતી. 
ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન તરીકે વાપસી કરનાર જો રૂટ સાથે અનોખો બનાવ બન્યો હતો. ૬૬ નંબરની જર્સી પહેરીને રમતા જો રૂટે બીજા દિવસની રમતમાં ૧૧૨ બૉલમાં ૧૦ ફોરની મદદથી ૬૬ રન કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન તરીકે તે ૬૬મી મૅચ રમી રહ્યો હતો. 
ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારવા મામલે જો રૂટે માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરની ૬૮ ફિફ્ટીની બરાબરી કરી હતી. સચિને ૨૦૦ ટેસ્ટ-મૅચની ૩૨૯ ઇનિંગ્સમાં ૫૧ સદી અને ૬૮ ફિફ્ટી ફટકારી હતી. જો રૂટે ૧૬૭ ટેસ્ટ-મૅચની ૩૦૫ ઇનિંગ્સમાં ૪૧ સદી અને ૬૮ ફિફ્ટી ફટકારી છે.

joe root sachin tendulkar england pakistan cricket news sports news sports