31 August, 2026 09:47 AM IST | London | Gujarati Mid-day Correspondent
જો રૂટ
ઇંગ્લૅન્ડના કેપ્ટન જો રૂટે ઘરઆંગણે ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવીને ઇતિહાસ રચ્યો છે. પાકિસ્તાન સામે લૉર્ડ્સ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ૩૭ બૉલમાં ૨૪ રન બનાવીને જો રૂટે ઘરઆંગણે પોતાના ટેસ્ટ-રનનો આંકડો ૭૫૯૪ પર પહોંચાડ્યો હતો.
ઇંગ્લૅન્ડમાં ૧૫૬ ઇનિંગ્સમાં ૨૪ સદીની મદદથી ૭૫૯૪ રન કરનાર જો રૂટે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર રિકી પૉન્ટિંગનો રેકૉર્ડ તોડ્યો હતો. રિકીએ ૧૫૪ ઇનિંગ્સમાં ૨૩ સદીની મદદથી ૭૫૭૮ રન કર્યા હતા. આ લિસ્ટમાં સચિન તેન્ડુલકર ૧૫૩ ઇનિંગ્સમાં બાવીસ સદીને આધારે ૭૨૧૬ રન સાથે ત્રીજા ક્રમે છે.
વરસાદથી પ્રભાવિત બીજી ટેસ્ટ-મૅચમાં ઇંગ્લૅન્ડે અનુક્રમે ૨૯૦ અને ૨૦૮ રનનો સ્કોર કરીને ૩૮૯ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૧૧૦ રન કરનાર પાકિસ્તાને ગઈ કાલે ચોથા દિવસે ટી બ્રેક સુધીમાં બીજી ઇનિંગ્સમાં ૪૨ ઓવરમાં ૧૪૦ રને પાંચ વિકેટ ગુમાવી હતી. એ સમયે ઇંગ્લૅન્ડ પાસે ૨૪૯ રનની લીડ બચી હતી.