17 June, 2022 01:00 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રેગ ઓવરટન (ડાબે) અને તેનો જોડિયો ભાઈ જૅમી ઓવરટન
ઇંગ્લૅન્ડે શ્રેણીની પહેલી બે ટેસ્ટ માટેની સ્ક્વૉડમાં ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર ક્રેગ ઓવરટનને સમાવ્યો હતો. જોકે તેને બેમાંથી એકેય ટેસ્ટમાં રમવાનો મોકો નહોતો મળ્યો. હવે સિલેક્ટરોએ ક્રેગના જોડિયા ભાઈ જૅમી ઓવરટનને ત્રીજી અને આખરી ટેસ્ટ માટેની સ્ક્વૉડમાં સામેલ કર્યો છે.
ક્રેગ ઓવરટન અને જૅમી ઓવરટનની ઉંમર ૨૮ વર્ષ, ૬૮ દિવસ છે. ક્રેગ ઇંગ્લૅન્ડ વતી આઠ ટેસ્ટ રમી ચૂક્યો છે, જ્યારે જૅમીને ગુરુવાર ૨૩ જૂને લીડ્સમાં ન્યુ ઝીલૅન્ડ સામે શરૂ થનારી થર્ડ ટેસ્ટમાં કદાચ રમવાનો મોકો મળે. ક્રેગની જેમ જૅમી પણ બોલિંગ ઑલરાઉન્ડર છે. ક્રેગ રાઇટ-આર્મ ફાસ્ટ બોલર અને રાઇટ-હૅન્ડ બૅટર છે. જૅમી પણ રાઇટ-આર્મ ફાસ્ટ બોલર અને રાઇટ-હૅન્ડ બૅટર છે. ઇંગ્લૅન્ડે સિરીઝ જીતી લીધી હોવાથી કદાચ જેમ્સ ઍન્ડરસન, સ્ટુઅર્ટ બ્રૉડ કે મૅથ્યુ પૉટ્સમાંથી આરામ આપીને ઓવરટન બંધુઓમાંથી કદાચ કોઈ એકને રમવાનો મોકો અપાશે.
જોફ્રા આર્ચર, માર્ક વુડ અને ઑલી સ્ટોન ઈજાને લીધે અત્યારે ટીમની બહાર છે.
ક્રેગ ઓવરટને માર્ચ, ૨૦૨૨ સુધી ૮ ટેસ્ટમાં ૨૧ વિકેટ તથા ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૪૦૨ વિકેટ લીધી છે. જૅમી ઓવરટને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૨૦૬ વિકેટ લીધી છે.