લુહાર સુતાર સમાજની ટર્ફ ક્રિકેટ-ટુર્નામેન્ટમાં જે.વી. ટાઇટન્સ અને ડાયમન્ડ દિવાસ ચૅમ્પિયન

30 January, 2025 07:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુરુષોમાં લીગ, ક્વૉર્ટર ફાઇનલ અને સેમી ફાઇનલના રસપ્રદ મુકાબલાઓ બાદ જે. વી. ટાઇટન્સ અને પરમાર બ્રધર્સ ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

પુરુષોની ચૅમ્પિયન ટીમ જે. વી. ટાઇટન્સ.

શ્રી લુહાર સુતાર જ્ઞાતિ યુવાઓ દ્વારા તાજેતરમાં આયોજિત ટર્ફ ક્રિકેટ-ટુર્નામેન્ટમાં પુરુષોમાં જે. વી. ટાઇટન્સ અને મહિલાઓમાં ડાયમન્ડ દિવાસ ટીમ ચૅમ્પિયન બની હતી. જ્ઞાતિજનો અને જ્ઞાતિના મહાનુભાવોની ખૂબ જ બહોળી હાજરીમાં મીરા રોડ-ઈસ્ટમાં ભક્તિ વેદાંત હૉસ્પિટલની સામે આવેલા ‘લસ સૃષ્ટિ ટર્ફ’માં યોજાયેલી આ લુહાર સુતાર પ્રીમિયર લીગની છઠ્ઠી સીઝનમાં પુરુષોની ૧૬ (૧૬૦ ખેલાડીઓ) અને મહિલા ૪ (૩૨ પ્લેયર) ટીમે ભાગ લીધો હતો. પુરુષોમાં લીગ, ક્વૉર્ટર ફાઇનલ અને સેમી ફાઇનલના રસપ્રદ મુકાબલાઓ બાદ જે. વી. ટાઇટન્સ અને પરમાર બ્રધર્સ ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં જે. વી. ટાઇટન્સે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ લેવાનો નિર્ણય લીધો હતો અને આકાશ પરમારના ૨૦ બૉલમાં ૩૭ અને વત્સલ હરસોરાના ૧૦ બૉલમાં પચીસ રનના યોગદાનના જોરે ૬ ઓવરમાં ૪ વિકેટે ૧૦૭ રન બનાવ્યા હતા. પરમાર બ્રધર્સ ૫.૨ ઓવરમાં માત્ર ૪૭ રન જ બનાવી શકતાં જે. વી. ટાઇટન્સ ૬૦ રનથી ભવ્ય વિજય સાથે ચૅમ્પિયન બની હતી. ચૅમ્પિયન ટ્રોફી ઉપરાંત ત્રણેય વ્યક્તિગત અવૉર્ડ્સ પણ જે. વી. ટાઇટન્સના પ્લેયર્સે મેળવ્યા હતા. ૧૫૫ રન અને ૯ વિકેટના દમદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સના જોરે વત્સલ હરસોરા પ્લેયર ઑફ ધ સિરીઝ, હાઇએસ્ટ ૨૦૬ રન સાથે આકાશ પરમાર બેસ્ટ બૅટર અને હાઇએસ્ટ ૧૧ વિકેટ ઝડપીને નીરવ પરમાર બેસ્ટ બોલર બની ગયો હતો.

મહિલાઓની ચૅમ્પિયન ટીમ ડાયમન્ડ દિવાસ.

મહિલાઓમાં લીગ રાઉન્ડના મુકાબલાઓનાં પરિણામને આધારે ડાયમન્ડ દિવાસ અને ગોલ્ડન ગર્લ્સ ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં ડાયમન્ડ દિવાસ ટીમે ટૉસ જીતીને પ્રથમ બૅટિગ કરતાં ૬ ઓવરમાં ૩ વિકેટે ૬૨ રન બનાવ્યા હતા જેમાં તનિશા વાઘેલા (૧૪ બૉલમાં ૩૪ રન) અને કાવ્યા ગોહિલ (૧૧ બૉલમાં ૨૧ રન)નું મુખ્ય યોગદાન હતું. ૬૩ રનના ટાર્ગેટ સામે ગોલ્ડન ગર્લ્સ ૬ ઓવરમાં પાંચ વિકેટે માત્ર ૩૮ રન જ બનાવી શકી હતી અને ૨૪ રનથી વિજય મેળવીને ડાયમન્ડ દિવાસ ટીમ વિજેતા બની હતી. ચૅમ્પિયન ડાયમન્સ દિવાસ ટીમની તનિષા વાઘેલાએ ટુર્નામેન્ટમાં કુલ ૧૦૮ રન અને બે વિકેટના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સને લીધે પ્લેયર ઑફ ધ સિરીઝની ટ્રોફી મેળવી હતી. જ્યારે બૅસ્ટ બૅટર અને બેસ્ટ બોલર (૧૩૧ રન અને ૯ વિકેટ) બન્ને ટ્રોફી ગોલ્ડન ગર્લ્સ ટીમની ક્રિષા મકવાણાને મળી હતી.

આ ટુર્નામેન્ટના સફળ આયોજનમાં જતિન ડોડિયા, ભાવિક ઉમરાણિયા, ભાવિન મિસ્ત્રી, મયૂર દાવડા, હેમાંશુ રાઠોડ, શૈલેષ ચુડાસમા, રોનક પીઠવા, ચેતન સોલંકી અને તુષાર પરમારનું અમૂલ્ય યોગદાન હતું.

mira road gujarati community news gujaratis of mumbai cricket news test cricket sports news sports