હમણાં તમે બધા ગેમ એન્જૉય કરો, ભવિષ્યની વાત પછી કરીશું : હાર્દિક

17 November, 2022 12:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આવતી કાલથી ટી૨૦ સિરીઝ : કૅપ્ટને ૨૦૨૪ના વર્લ્ડ કપ માટેના રોડમૅપની પણ વાત કરી

કિવીઓની ક્રૉક બાઇકમાં હરીફોની સવારી ગઈ કાલે વેલિંગ્ટનના વૉટર ફ્રન્ટ વિસ્તારમાં ન્યુ ઝીલૅન્ડની સ્પેશ્યલ ક્રૉક બાઇકમાં ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસન સાથે હાર્દિક પંડ્યા. તસવીર એ.એફ.પી.

ભારતીય ટીમ આવતી કાલથી ન્યુ ઝીલૅન્ડમાં ત્રણ મૅચની ટી૨૦ સિરીઝ રમશે અને એ નિમિત્તે ગઈ કાલે વેલિંગ્ટનમાં કૅપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાના સાથીઓ સાથે જે વાતો કરી એનો ઉલ્લેખ તેમ જ પોતે ૨૦૨૪ના ટી૨૦ વર્લ્ડ કપ વિશે શું માને છે એની ચર્ચા પત્રકારો સાથે કરી હતી.

હાર્દિકે જર્નલિસ્ટોને કહ્યું, ‘અમે બધા ઑસ્ટ્રેલિયામાં રમાઈ ગયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતનો છેલ્લે જે પર્ફોર્મન્સ રહ્યો એનાથી ખૂબ હતાશ છીએ, પરંતુ ભવિષ્ય વિશે ખૂબ આશાવાદી પણ છીએ. ૨૦૨૪નો વિશ્વકપ હજી બે વર્ષ દૂર છે એટલે નવી ટૅલન્ટ શોધવા માટે અમારી પાસે ઘણો સમય છે. હા, આવતી કાલે શરૂ થઈ રહેલી સિરીઝ સાથે અમારો રોડમૅપ શરૂ થઈ જશે. ઘણા ખેલાડીઓને રમવાનો મોકો મળશે. મેં તો સાથી ખેલાડીઓને કહી દીધું છે કે હમણાં ગેમ એન્જૉય કરો, ભવિષ્યની વાત પછી કરીશું.’

શિખર ધવનના સુકાનમાં રમાનારી ત્રણ વન-ડે પહેલાં આવતી કાલે ટી૨૦ સિરીઝ શરૂ થઈ રહી છે. આ બન્ને શ્રેણીઓમાંથી રોહિત શર્મા, વિરાટ કોહલી, કે. એલ. રાહુલને આરામ અપાયો છે. દિનેશ કાર્તિક અને આર. અશ્વિન પણ આ બન્ને સિરીઝમાં નથી. હાર્દિકના મતે આવતી કાલે શરૂ થતી સિરીઝ શુભમન ગિલ, ઉમરાન મલિક, ઇશાન કિશન અને સંજુ સૅમસન માટે મહત્ત્વની બની રહેશે.

sports sports news cricket news hardik pandya t20