કિશનની ધમાલ: ઝારખંડે રચ્યો ઇતિહાસ

21 February, 2021 12:25 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કિશનની ધમાલ: ઝારખંડે રચ્યો ઇતિહાસ

ઈશાન કિશન

ગઈ કાલે શરૂ થયેલી વિજય હઝારે ટ્રોફીમાં ઇન્દોરમાં મધ્ય પ્રદેશ સામે ઝારખંડના કૅપ્ટન ઈશાન કિશને ૯૪ બૉલમાં ૧૯ ચોગ્ગા અને ૧૧ સિક્સર ફટકારીને શાનદાર ૧૭૩ રનની ઇનિંગ રમીને અનેક રેકૉર્ડ રચી દીધા છે. મૅચમાં ઝારખંડના બૅટ્સમેનોએ કુલ ૨૧ સિક્સર ફટકારી હતી જેમાંની ૧૧ ઈશાને ફટકારી હતી. તેની આ ઇનિંગ્સને લીધે ઝારખંડે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૪૨૨ રન બનાવી લીધા હતા. ૪૨૩ રનના ટાર્ગેટ સામે મધ્ય પ્રદેશ ટીમ ૧૮.૪ ઓવરમાં માત્ર ૯૮ રનમાં ઑલઆઉટ થઈ જતાં ઝારખંડનો ૩૨૪ રનથી ભવ્ય વિજય થયો હતો. ડોમેસ્ટિક વન-ડે ક્રિકેટમાં આ સૌથી મોટી જીત બની ગઈ હતી.

વિજય હઝારે ટ્રોફીમાં આ કોઈ પણ ટીમે બનાવેલો હાઇએસ્ટ સ્કોર બન્યો હતો. આ પહેલાં ૨૦૧૦માં મધ્ય પ્રદેશે રેલવે સામે કરેલા ૪૧૨ રન હાઇએસ્ટ હતા. બીજું લિસ્ટ ‘એ’ ક્રિકેટમાં કોઈ પણ ટીમે બનાવેલો આ બીજા નંબરનો સર્વાધિક સ્કોર બન્યો હતો. ૨૦૧૫માં સાઉથ આફ્રિકાએ ભારત સામે મુંબઈમાં રમાયેલી મૅચમાં ૪૩૮ રન બનાવ્યા હતા. લિસ્ટ ‘એ’ ક્રિકેટમાં કોઈ પણ વિકેટકીપર-કૅપ્ટને બનાવેલા સ્કોર કરતાં ઈશાનનો સ્કોર હાઇએસ્ટ સ્કોર બન્યો હતો. વિજય હઝારે ટ્રોફીમાં વિકેટકીપર-બૅટ્સમૅને બનાવેલો આ બીજો નંબરનો સ્કોર બન્યો હતો. હાઇએસ્ટ સ્કોર ૨૧૨ રનનો સંજુ સૅમસનનો છે.

વિજય હઝારે ટ્રોફીમાં અન્ય શતકવીરો

સુરતમાં ત્રિપુરા સામે હૈદરાબાદના ૧૮ વર્ષના બૅટ્સમૅન તિલક વર્માએ પાંચ સિક્સર અને ૧૦ ફોર સાથે ૧૫૬ રન ફટકાર્યા હતા.

બૅન્ગલોરમાં ઓડિશા સામે કેરલા વતી રમતાં રૉબિન ઉથપ્પાએ ૮૫ બૉલમાં ૧૦૨ રનની ઇનિંગ્સ રમીને ટીમને જીત અપાવી હતી.

sports sports news cricket news vijay hazare trophy