28 June, 2025 03:11 PM IST | London | Gujarati Mid-day Correspondent
ઈશાન કિશન અને મોહમ્મદ અબ્બાસ.
ભારતીય ક્રિકેટર ઈશાન કિશન અને પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ અબ્બાસની એક સેલ્ફી સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. હાલમાં ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ચૅમ્પિયનશિપની મૅચ દરમ્યાન બન્ને પ્લેયર્સ નૉટિંગહૅમશર માટે સાથે રમતા જોવા મળ્યા હતા. ડ્રૉ થયેલી મૅચમાં ઈશાન કિશન (૯૮ બૉલમાં ૮૭ રન)ની વિકેટકીપિંગને કારણે પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસ (૪૦ રનમાં એક વિકેટ)ને યૉર્કશર ટીમ સામે એકમાત્ર સફળતા મળી હતી. અબ્બાસે જ તેની સાથેના વિકેટ-સેલિબ્રેશન અને સેલ્ફી સોશ્યલ મીડિયા પર શેર કર્યાં હતાં.
છઠ્ઠી વાર ભારત-પાકિસ્તાનના પ્લેયર્સ એક ટીમમાં
આ ફક્ત છઠ્ઠો પ્રસંગ હતો જ્યારે કોઈ ભારતીય અને પાકિસ્તાની પ્લેયરે કાઉન્ટી ક્રિકેટમાં ડ્રેસિંગ રૂમ શૅર કર્યો હોય. આ પહેલાં ૧૯૭૦ના દાયકામાં બિશન સિંહ બેદીએ મુશ્તાક મોહમ્મદ અને સરફરાઝ નવાઝ સાથે, ૨૦૦૪માં ઝહીર ખાન અને અઝહર મહમૂદ, ૨૦૨૨માં ચેતેશ્વર પુજારા અને મોહમ્મદ રિઝવાન, જ્યારે ૨૦૦૫ અને ૨૦૦૬માં અનુક્રમે હરભજન સિંહ અને અનિલ કુંબલે બે પાકિસ્તાની પ્લેયર્સ અઝહર મહમૂદ અને મોહમ્મદ અકરમ સાથે એક કાઉન્ટી ક્રિકેટ ટીમમાં રમ્યા હતા.