18 August, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇરફાન પઠાણ, શાહિદ આફ્રિદી
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદી સાથેની એક ઘટના વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. પાકિસ્તાનમાં વર્ષ ૨૦૦૬માં કરાચીથી લાહોરની એક ફ્લાઇટ દરમ્યાન હેરાન કરી રહેલા આફ્રિદીને તેણે કડક શબ્દો બોલીને ચૂપ કરી દીધો હતો.
એક ઇન્ટરવ્યુમાં ઇરફાન પઠાણે કહ્યું હતું કે ‘ફ્લાઇટમાં બન્ને ટીમો સાથે મુસાફરી કરી રહી હતી. આફ્રિદીએ મારી પાસે આવીને મારા માથા પર હાથ મૂક્યો અને મારા વાળ બગાડ્યા. તેણે મને પૂછ્યું કે કેમ છે દીકરા? મેં વિચાર્યું કે તે મારો બાપ ક્યારથી બન્યો. તે બાળક જેવું વર્તન કરી રહ્યો હતો. તેણે મારી સાથે ખરાબ રીતે વાત કરી હતી અને તેની સીટ મારી બાજુમાં જ હતી.’
ઇરફાન પઠાણે વધુમાં કહ્યું કે ‘ત્યારે પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક મારી સાથે બેઠો હતો. મેં તેને પૂછયું કે અહીં કયા પ્રકારનું ગોશ્ત (માંસ) મળે છે. મેં તેને એ પણ પૂછયું કે શું કૂતરાનું માંસ મળે છે? કારણ કે તેણે (આફ્રિદી) કૂતરાનું જ ગોશ્ત ખાધું છે એટલે આટલા સમયથી ભોંકી રહ્યો છે. આ પછી આફ્રિદી કંઈ બોલી શક્યો નહીં અને આખી ફ્લાઇટ દરમ્યાન શાંત રહ્યો.’
ઇરફાન પઠાણે એ પણ ખુલાસો કર્યો કે ‘એક ઇન્ટરવ્યુમાં આફ્રિદીએ મને નકલી પઠાણ ગણાવ્યો હતો. એ પછી મેં તેને ઇન્ટરનૅશનલ મૅચોમાં વારંવાર આઉટ કરીને સાબિત કર્યું કે અસલી પઠાણ કોણ છે.’