સૌરાષ્ટ્રને પહેલા દાવનો ધબડકો નડ્યો, રેસ્ટ ૨૯મી વાર જીત્યું ઈરાની કપ

05 October, 2022 11:16 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પ્રથમ દાવમાં ૪ વિકેટ લઈને સૌરાષ્ટ્રને માત્ર ૯૮ રનમાં ઑલઆઉટ કરાવનાર પેસ બોલર મુકેશ કુમારને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

સૌરાષ્ટ્રને પહેલા દાવનો ધબડકો નડ્યો, રેસ્ટ ૨૯મી વાર જીત્યું ઈરાની કપ

રાજકોટમાં ગઈ કાલે ચોથા દિવસના આરંભમાં જ રેસ્ટ ઑફ ઇન્ડિયાએ યજમાન સૌરાષ્ટ્રને ૮ વિકેટે હરાવીને ફરી એક વાર ઈરાની કપની ટ્રોફી જીતી લીધી હતી. હનુમા વિહારીના સુકાનમાં આ ટીમને જીતવા માટે ફક્ત ૧૦૫ રનનો લક્ષ્યાંક અપાયો હતો, જે એણે ૩૧.૨ ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.

જયદેવને લીધે રેસ્ટનો વિજય વિલંબમાં

સૌરાષ્ટ્રને પ્રથમ દાવનો ધબડકો ભારે પડ્યો હતો, કારણ કે એમાં જયદેવ ઉનડકટની ટીમ માત્ર ૯૮ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ગઈ કાલે બીજા દાવમાં ઉનડકટ (૮૯ રન, ૧૩૩ બૉલ, બે સિક્સર, દસ ફોર) તેમ જ પ્રેરક માંકડ (૭૨), શેલ્ડન જૅક્સન (૭૧) અને અર્પિત વસાવડા (૫૫)ની ઇનિંગ્સને કારણે સૌરાષ્ટ્રની ટીમ ૩૮૦ રનનો સ્કોર ખડકી શકી હતી, પરંતુ બન્ને દાવમાં ચેતેશ્વર પુજારા (૧, ૧) અને બીજા બૅટર્સ હાર્વિક દેસાઈ (૦. ૨૦), સ્નેલ પટેલ (૪, ૧૬), ચિરાગ જાની (૦, ૬) સદંતર ફ્લૉપ જતાં સૌરાષ્ટ્રની ટીમ પહેલા ત્રણેય દિવસમાં રેસ્ટની ટીમ માટે ક્યારેય પડકારરૂપ નહોતી બની શકી અને ચોથા દિવસે રેસ્ટની ટીમે ૨૯મી વખત ઈરાની ટ્રોફી જીતી લીધી.

પહેલા દાવમાં સૌરાષ્ટ્રના ૯૮ રન સામે રેસ્ટ ઑફ ઇન્ડિયાના ૩૭૪ રન હતા. બીજા દાવમાં સૌરાષ્ટ્રના ૩૮૦ રન સામે રેસ્ટની ટીમે બે વિકેટે ૧૦૫ રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો.

મુકેશ મૅન ઑફ ધ મૅચ

પ્રથમ દાવમાં ૪ વિકેટ લઈને સૌરાષ્ટ્રને માત્ર ૯૮ રનમાં ઑલઆઉટ કરાવનાર પેસ બોલર મુકેશ કુમારને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

 રજકોટની જેને માટે જાણીતી છે એવી પિચ ઈરાની કપમાં પહેલા દિવસે નહોતી એટલે જ અમે બહુ સસ્તામાં ઑલઆઉટ થઈ ગયા હતા.
જયદેવ ઉનડકટ - (સૌરાષ્ટ્રનો કૅપ્ટન)

વર્લ્ડ કપ માટેનો નેટ બોલર

પેસ બોલર કુલદીપ સેને સૌરાષ્ટ્રના બીજા દાવમાં પાંચ વિકેટ સહિત મૅચમાં કુલ આઠ શિકાર કર્યા છે. ટી૨૦ વર્લ્ડ કપ માટે કુલદીપને ભારતીય ટીમના નેટ બોલર તરીકે ઑસ્ટ્રેલિયા જવાનો મોકો મળ્યો છે.

sports news sports cricket news