સાઉથ આફ્રિકામાં રમાશે ભારતીયો વિનાની ‘આઇપીએલ-ટૂ’

21 July, 2022 05:44 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આફ્રિકન બોર્ડની નવી ટી૨૦ લીગની બધી ફ્રૅન્ચાઇઝી આઇપીએલની ટીમોના માલિકોએ ખરીદી : જાન્યુઆરીની આ લીગમાં ભારતના વર્તમાન ક્રિકેટરો કદાચ ઉપલબ્ધ નહીં હોય.

આકાશ અંબાણી સાથે નીતા અંબાણી

સાઉથ આફ્રિકામાં નવી ટી૨૦ લીગ ટુર્નામેન્ટ (જેનું સત્તાવાર નામ હવે પછી જાહેર કરાશે) શરૂ કરાશે. ભારતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) દર વર્ષે એપ્રિલ-મેમાં રમાય છે, પરંતુ એ પહેલાં જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકાની આ લીગ રમાશે. આ લીગની તમામ છ ટીમને આઇપીએલની ટીમોના માલિકોએ ખરીદી છે. મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રૉયલ્સના માલિકોએ તેમ જ દિલ્હી કૅપિટલ્સના કો-ઓનરે આ નવી લીગની ટીમો ખરીદી છે. આ લીગમાં ભારતના વર્તમાન ખેલાડીઓ કદાચ નહીં રમે, પરંતુ સાઉથ આફ્રિકન બોર્ડ એને (આઇપીએલ પછીની) બીજા નંબરની શ્રેષ્ઠ લીગ ટુર્નામેન્ટ બનાવવા માગે છે. જોકે બીસીસીઆઇ સાથે કરારબદ્ધ ન હોય અને જાન્યુઆરીમાં ફુરસદમાં હોય એવા ભારતીયો આ નવી લીગમાં રમતા જોવા મળી શકે.

ભારતે ‘હરાવ્યું’ આફ્રિકાને
આઇપીએલની ટીમોના માલિકોએ સાઉથ આફ્રિકન લીગની ટીમો ખરીદવા આગળ આવેલા સાઉથ આફ્રિકાના અનેક સાહસિકોને બિડિંગ પ્રોસેસમાં હરાવી દીધા હતા.

ગ્રેમ સ્મિથ લીગનો કમિશનર
ભૂતપૂર્વ કૅપ્ટન ગ્રેમ સ્મિથની નિયુક્તિ નવી લીગ ટુર્નામેન્ટના કમિશનર તરીકે થઈ છે. તેણે કાલે કહ્યું, ‘ઘણા અગ્રણી ઇન્ટરનૅશનલ ખેલાડીઓ સાથે અમારા ક્રિકેટ બોર્ડે કૉન્ટ્રૅક્ટ કર્યા છે. તેઓ સાઉથ આફ્રિકાના નવયુવાન ખેલાડીઓ સાથે રમશે.’

કોણે કઈ ટીમ ખરીદી?
(૧) મુંબઈ ઇન્ડિયન્સે ખરીદી કૅપ ટાઉન ટીમ
(૨) લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદી ડરબન ટીમ
(૩) સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદી જીકેબર્હા (અગાઉનું નામ પોર્ટ એલિઝાબેથ) ટીમ
(૪) રાજસ્થાન રૉયલ્સે ખરીદી પાર્લની ટીમ
(૫) દિલ્હી કૅપિટલ્સના કો-ઓનર જેએસડબ્લ્યુએ ખરીદી પ્રિટોરિયાની ટીમ
(૬) ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદી જોહનિસબર્ગની ટીમ

નવી ટીમનું રિલાયન્સ ફૅમિલીમાં સ્વાગત છે : નીતા અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ડિરેક્ટર નીતા અંબાણીએ ગઈ કાલે જણાવ્યું હતું, ‘નવી ટીમ (કૅપ ટાઉન ટીમ)નું રિલાયન્સ ફૅમિલીમાં સ્વાગત છે. આ ટીમના આગમનથી હું બેહદ આનંદ અનુભવું છું. ક્રિકેટની રમત ભારતમાં છે એટલી જ સાઉથ આફ્રિકામાં લોકપ્રિય છે અને આ રાષ્ટ્રમાં અમે નિર્ભય તથા મનોરંજનભરી ક્રિકેટની મુંબઈ ઇન્ડિયન્સની બ્રૅન્ડને લઈ જવા ખૂબ ઉત્સુક છીએ. મને ખાતરી છે કે આ નવા સહકારમાં રહેલાં શક્તિ અને સામર્થ્યને જરૂર બહાર લાવીશું.’

sports sports news ipl 2022 south africa cricket news board of control for cricket in india