14 April, 2026 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડેની મૅચમાં વિરાટ-રોહિત થયા ઇન્જર્ડ
રવિવારે રાતે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPL મૅચની બીજી ઇનિંગ્સ દરમ્યાન ઇન્જરીને કારણે રોહિત શર્મા અને વિરાટ કોહલી બાકીની મૅચ રમી શક્યા નહોતા. ક્રિકેટ-ફૅન્સ બન્ને અનુભવી પ્લેયર્સની ઇન્જરીથી ચિંતામાં મુકાયા હતા. ફિફ્ટી ફટકારીને આઉટ થયા બાદ વિરાટ કોહલી બાઉન્ડરી પાસેના ડગઆઉટ પહેલાં હેલ્મેટ અને ગ્લવ્ઝ સહિતનાં સાધનો ફેંકતો જોવા મળ્યો હતો. પગની ઘૂંટીની ઇન્જરીને કારણે તે ફીલ્ડિંગ કરવા મેદાન પર આવ્યો નહોતો. તે બૅન્ગલોર માટે બીજી ઇનિંગ્સ દરમ્યાન ડ્રેસિંગ રૂમ અને ડગઆઉટમાં જ જોવા મળ્યો હતો. રન-ચેઝ દરમ્યાન મુંબઈ માટે ૧૩ બૉલમાં બે ફોર અને એક સિક્સરની મદદથી ૧૯ રન કરીને ઓપનર રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થયો હતો. હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે તેણે છઠ્ઠી ઓવરમાં મેદાન પરથી વૉકઆઉટ કર્યું હતું. હૅમસ્ટ્રિંગ ઇન્જરીની ગંભીરતા સમજવા માટે તબીબી ટીમ સ્કૅન કરાવશે.