11 November, 2025 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીન્દ્ર જાડેજા
IPL 2026ના મિની ઑક્શન પહેલાં ટીમો વચ્ચે પ્લેયર્સની આપ-લે માટેની વાતચીત આગળ વધી રહી છે. સંજુ સૅમસનને લઈને રાજસ્થાન રૉયલ્સને રવીન્દ્ર જાડેજા અને અન્ય એક સ્ટાર પ્લેયર આપવાના ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના પ્રસ્તાવના અહેવાલે સૌને ચોંકાવી દીધા છે. યંગ ક્રિકેટર સૅમ કરૅન અને ડેવાલ્ડ બ્રેવિસનાં નામ પણ આ ટ્રેડ-ડીલની વાતચીતમાં સામેલ હોવાના અહેવાલ મળ્યા છે.
આ સમાચાર પર ભૂતપૂર્વ પ્લેયર્સ અને ક્રિકેટ-નિષ્ણાતો પોતાના વિચાર રજૂ કરી રહ્યા છે. ગુજરાતનાે ભૂતપૂર્વ ક્રિકેટર પ્રિયંક પંચાલ માને છે કે ‘જો આ ડીલ થશે તો એ ચેન્નઈ સુપર કિંગ્સની સૌથી મોટી ભૂલ હશે. આટલી અથાક સેવા કરનાર ક્રિકેટરને છોડી દેવો એ ટીમના મુખ્ય સિદ્ધાંતોની વિરુદ્ધનો નિર્ણય કહેવાશે.’
ભારતનો ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ કહે છે કે ‘ટીમના ભલા માટે મહેન્દ્ર સિંહ ધોની જાડેજાનું બલિદાન પણ આપી શકે છે. જો સંજુ ટીમમાં આવશે તો એ લાંબા સમયના કૅપ્ટનનો વિકલ્પ બનશે. ધોની માટે આગામી સીઝન છેલ્લી પણ બની શકે છે.’
રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ગાયબ થઈ ગયું
CSK છોડવાની અફવાઓ વચ્ચે ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ગાયબ થઈ ગયું છે. સોમવારે ઇન્સ્ટાગ્રામ પર જાડેજાનું અકાઉન્ટ `royalnavghan` ઉપલબ્ધ નહોતું. ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી જેવા કેટલાક અન્ય ક્રિકેટર્સનાં અકાઉન્ટ સાથે પણ આવી સમસ્યા આવી રહી છે.