10 December, 2025 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ ૨૦૨૬ની સીઝન માટે ખેલાડીઓના મિની ઑક્શનના લિસ્ટને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. ૧૬ ડિસેમ્બરે UAEના અબુ ધાબીમાં આયોજિત આ ઑક્શનનો સમય પણ જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય સમય અનુસાર બપોરે ૨.૩૦ વાગ્યે એ શરૂ થશે. ૧૦ ટીમના ૩૧ વિદેશી પ્લેયર્સ સહિત ૭૭ જણના ખાલી સ્પૉટ ભરવા માટે આ મિની ઑક્શન યોજાશે.
ઑક્શન પહેલાં ૧૩૫૫ પ્લેયર્સે રજિસ્ટ્રેશન કર્યું છે એવા અહેવાલો મળ્યા હતા. જોકે ઑફિશ્યલ જાહેરાત અનુસાર પાછળથી નવાં નામ ઉમેરાતાં એ સંખ્યા ૧૩૯૦ થઈ છે. તમામ ૧૦ ટીમના પ્લેયર્સનું વિશ-લિસ્ટ જાણ્યા બાદ ૧૩૯૦ પ્લેયર્સમાંથી ૧૦૪૦ નામોને હટાવીને ૩૫૦ પ્લેયર્સને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. એમાં ૨૪૦ ભારતીય અને ૧૧૦ વિદેશી પ્લેયર્સનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં ૨૪ અનકૅપ્ડ ભારતીય ખેલાડીઓ અને ૧૪ અનકૅપ્ડ વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.
આ લિસ્ટમાં કૅમરન ગ્રીન, સ્ટીવ સ્મિથ, વેન્કટેશ ઐયર, રવિ બિશ્નોઈ, શાઇ હોપ, ડેવિડ મિલર સહિતના ૪૦ પ્લેયર્સની બેઝ-પ્રાઇસ બે કરોડ રૂપિયા છે. ઉમેશ યાદવ સહિતના ૯ પ્લેયર્સની
બેઝ-પ્રાઇઝ ૧.૫૦ કરોડ રૂપિયા છે. રોસ્ટન ચેઝ સહિતના ૪ પ્લેયર્સે ૧.૨૫ કરોડ રૂપિયાની બેઝ-પ્રાઇસ પસંદ કરી છે. જૉની બેરસ્ટો, આકાશદીપ સહિત ૧૭ પ્લેયર્સની કિંમત એક કરોડ રૂપિયા છે.
|
કેટલા પ્લેયર્સે પસંદ કરી કઈ બેઝ-પ્રાઇસ? |
|
|
૨ કરોડ |
૪૦ |
|
૧.૫૦ કરોડ |
૯ |
|
૧.૨૫ કરોડ |
૪ |
|
૧ કરોડ |
૧૭ |
|
૭૫ લાખ |
૪૨ |
|
૫૦ લાખ |
૪ |
|
૪૦ લાખ |
૭ |
|
૩૦ લાખ |
૨૨૭ |
ક્વિન્ટન ડી કૉકની સરપ્રાઇઝ એન્ટ્રી
સાઉથ આફ્રિકાના વિકેટકીપર અને બૅટ્સમૅન ક્વિન્ટન ડી કૉકનું નામ આ લિસ્ટમાં નહોતું. દેખીતી રીતે કેટલીક ફ્રૅન્ચાઇઝીની ભલામણ પર તેનું નામ પાછળથી ઉમેરવામાં આવ્યું હતું. ઑલમોસ્ટ ૩૩ વર્ષના આ પ્લેયરે પોતાની બેઝ-પ્રાઇસ બે કરોડથી ઘટાડીને એક કરોડ રૂપિયા કરી દીધી છે. તેણે ૬ ટીમ માટે આ લીગની ૧૧૫ મૅચમાં ૩૩૦૯ રન કર્યા છે. છેલ્લે કોલકાતા નાઇટ રાઇડર્સ માટે તેણે ૮ મૅચમાં ૧૫૨ રન કર્યા હોવાથી તેને ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો હતો.