જો તક મળશે તો હું KKRનું નેતૃત્વ કરવા માટે તૈયાર છું

26 February, 2025 05:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પર્ધાત્મક ક્રિકેટમાં કોઈ પણ સ્તરે કૅપ્ટન્સી કરવાનો અનુભવ ન ધરાવતો વેન્કટેશ ઐયર કહે છે...

IPL 2025 માટે નેટ-પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે વેન્કટેશ ઐયરે.

૩૦ વર્ષના ઑલરાઉન્ડર વેન્કટેશ ઐયરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)નું નેતૃત્વ કરવાની તૈયારી બતાવી છે. સ્પર્ધાત્મક ક્રિકેટમાં કોઈ પણ સ્તરે કૅપ્ટન્સી કરવાનો અનુભવ ન ધરાવતો ઐયર કહે છે કે ‘જો તક મળે તો હું ટીમનો કૅપ્ટન બનવા માટે તૈયાર છું. મેં હંમેશાં કહ્યું છે કે કૅપ્ટનસી ફક્ત એક લેબલ છે. હું નેતૃત્વમાં વિશ્વાસ રાખું છું. લીડર બનવું એ એક મોટી ભૂમિકા છે. તમારા ડ્રેસિંગ રૂમમાં નેતા બનવા માટે તમારે કૅપ્ટનના ટૅગની જરૂર નથી. તમારે મેદાન પર અને મેદાનની બહાર એક સારા રોલ મૉડલ બનવાની જરૂર છે જે હું હાલમાં મધ્ય પ્રદેશમાં કરી રહ્યો છું. હું મધ્ય પ્રદેશ ટીમનો કૅપ્ટન નથી, પણ મારા મંતવ્યનું સન્માન કરવામાં આવે છે.’

મેગા ઑક્શન દરમ્યાન રાઇટ ટુ મૅચ (RTM) કાર્ડ હેઠળ ૨૩.૭૫ કરોડ રૂપિયામાં રીટેન થયેલો વેન્કટેશ ઐયર IPLમાં કલકત્તા માટે ૫૧ મૅચમાં ૧૩૨૬ રન ફટકારીને ૩ વિકેટ લઈ ચૂક્યો છે. ત્રણ વખતની IPL ચૅમ્પિયન કલકત્તા માટે સૌરવ ગાંગુલીથી શ્રેયસ ઐયર સુધી આઠ કૅપ્ટન્સ કૅપ્ટન્સી કરી ચૂક્યા છે. IPL 2025 માટે મુંબઈની રણજી ટીમનો કૅપ્ટન અજિંક્ય રહાણે પણ KKRનો કૅપ્ટન બનવાની રેસમાં છે.

indian premier league kolkata knight riders IPL 2025 t20 cricket news sports news sports