આઉટ નહોતો એમ છતાં ચાલતી પકડી

26 April, 2025 06:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈશાન કિશનની મૂર્ખતા પર ભડક્યો ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દર સેહવાગ

સ્નિકોમીટર પર બૉલ અને ઈશાન કિશનની બૅટમાં કોઈ સંપર્ક જોવા નહોતો મળ્યો.

બુધવારે પોતાની જૂની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સામે વિચિત્ર રીતે આઉટ થયા બાદ વિકેટકીપર-બૅટર ઈશાન કિશન સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહ્યો છે. નૉટ-આઉટ હોવા છતાં તે પોતાની મરજીથી સનરાઇઝર્સ હૈદરાબાદના પૅવિલિયન તરફ પાછો ફર્યો હતો. તેની આ મૂર્ખતા પર ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દર સેહવાગ ભડક્યો હતો.

પોતાની જૂની ટીમ સામે ફરી ફ્લૉપ થયા બાદ હસતો જોવા મળ્યો ઈશાન કિશન.

સેહવાગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ઈશાને ત્યાં તેના મગજનો ઉપયોગ કરવો જોઈતો હતો. તેણે અમ્પાયરના નિર્ણયની રાહ જોવી જોઈતી હતી. જો અમ્પાયરે તેને આઉટ આપ્યો હોત તો તેને પછીથી રિવ્યુ લેવાની તક મળી હોત. આવા સમયે મગજ ઘણી વાર કામ કરવાનું બંધ કરી દે છે, ઈશાન કિશન સાથે પણ આવું જ બન્યું. આવું એટલા માટે થયું, કારણ કે બૅટ્સમૅનનું મન થાકી ગયું હતું. તેણે ત્યાં જ રહીને અમ્પાયરના નિર્ણયની રાહ જોવી જોઈતી હતી. અમ્પાયર્સ પણ પૈસા લઈ રહ્યા છે. તેને તેનું કામ કરવાની છૂટ હોવી જોઈતી હતી.’

હૈદરાબાદ ટીમની માલિકણ કાવ્યા મારન ટીમના પ્રદર્શનથી નિરાશ થઈ.

સેહવાગે આગળ કહ્યું, ‘હું ઈશાનની આ પ્રામાણિકતા સમજી શક્યો નહીં. જો ઈશાને બૉલ બૅટની બહારની ધારને અડ્યા પછી આ કર્યું હોત તો એ રમતની ભાવના અનુસાર હોત, પરંતુ તે આઉટ નહોતો થયો અને અમ્પાયરને ખાતરી નહોતી અને તે અચાનક મેદાન છોડીને ચાલ્યો ગયો પછી અમ્પાયર પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે. આવી સ્થિતિમાં તે યોગ્ય નિર્ણય લઈ શકતો નથી.’  

કંગાળ પ્રદર્શન
ઈશાન પોતાની જૂની ટીમ મુંબઈ સામે આ સીઝનમાં અનુક્રમે બે અને એક રન જ કરી શક્યો છે. ૧૧.૨૫ કરોડ રૂપિયાનો આ પ્લેયર હમણાં સુધી હૈદરાબાદ માટે આઠ મૅચમાં એક સેન્ચુરીની મદદથી માત્ર ૧૩૯ રન ફટકારી શક્યો છે.

indian premier league IPL 2025 ishan kishan virender sehwag cricket news sunrisers hyderabad mumbai indians sports news sports