28 May, 2025 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શશાંક સિંહ, યુઝી ચહલ
પંજાબ કિંગ્સના બૅટ્સમૅન શશાંક સિંહે ટીમના વિશ્વાસ, કલ્ચર અને નેતૃત્વમાં પરિવર્તન માટે હેડ કોચ રિકી પૉન્ટિંગ અને કૅપ્ટન શ્રેયસ ઐયરને શ્રેય આપ્યું છે. મુંબઈ ઇન્ડિયન્સ સામે સોમવારે મૅચ જીતીને ટૉપ-ટૂમાં સ્થાન પાકું કર્યા બાદ તેણે કહ્યું હતું કે ‘મેગા ઑક્શન બાદ અમે વૉટ્સઍપ પર એક ગ્રુપ બનાવ્યું જેમાં અમે આ વર્ષે ટાઇટલ જીતવાની વાત કરી. અમારું પહેલું લક્ષ્ય ટૉપ-ટૂમાં રહેવાનું હતું અને દેખીતી રીતે અમે એ લક્ષ્ય મેળવી લીધું છે.’
પહેલા દિવસથી જ રિકી સર અને શ્રેયસનું મુખ્ય ધ્યેય એ રહ્યું છે કે આપણે ટીમમાં એક નવું કલ્ચર વિકસાવવું અને ટકાવી રાખવું પડશે, આપણે એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો પડશે અને પછી પરિણામો આપમેળે અનુકૂળ આવશે એમ જણાવતાં શશાંક કહે છે, ‘રિકી શ્રેષ્ઠ કોચ છે. તેણે અમારી માનસિકતા અને માન્યતાઓ બદલી નાખી છે. રમત પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલવા માટે તેમને શ્રેય આપવો જોઈએ. પહેલા દિવસે તેમણે અને શ્રેયસે અમને કહ્યું, તેઓ સૌથી સિનિયર પ્લેયર યુઝી ચહલ અને બસ-ડ્રાઇવર સાથે સમાન વર્તન કરશે. તેઓએ યુઝી ચહલ અને અમારા બસ-ડ્રાઇવરને એકસરખું માન આપવાની વાત જાળવી રાખી છે.’