03 June, 2025 09:53 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ટ્રેન્ટ બોલ્ટે છોડેલા આ સરળ કૅચ પર ઓનર નીતા અંબાણીએ પોતાનું માથું પકડીને અફસોસ વ્યક્ત કર્યો
ક્વૉલિફાયર-ટૂ મૅચ દરમ્યાન ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે છોડેલા એક કૅચ પર ઓનર નીતા અંબાણી અને મુંબઈના પ્લેયર્સે આપેલાં રીઍક્શન સોશ્યલ મીડિયા પર વાઇરલ થયાં હતાં. હાર્દિક પંડ્યાની ૧૦મી ઓવરના અંતિમ બૉલ પર નેહલ વઢેરાએ ફાઇન લેગ પર આપેલા કૅચને ટ્રેન્ટ બોલ્ટ પકડી ન શક્યો અને બૉલ બાઉન્ડરીને અડી જતાં ફોર જાહેર થઈ હતી.
ટ્રેન્ટ બોલ્ટે છોડેલા આ સરળ કૅચ પર ઓનર નીતા અંબાણીએ પોતાનું માથું પકડીને અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમને વિશ્વાસ નહોતો થયો કે તેમના ૧૨.૫ કરોડ રૂપિયાના પ્લેયરે હરીફ ટીમના પ્લેયરને મહત્ત્વપૂર્ણ જીવતદાન આપી દીધું છે. કૅપ્ટન હાર્દિક પંડ્યા અને પૅવિલિયનમાં હાજર અન્ય સાથી પ્લેયર્સનાં પણ કંઈક આવાં જ રીઍક્શન જોવા મળ્યાં હતાં. આ ડ્રૉપ કૅચ બાદ મુંબઈ મૅચમાં વાપસી કરી શક્યું નહીં અને તેમના છઠ્ઠી વાર ટ્રોફી જીતવાના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું હતું.
મુંબઈ ઇન્ડિયન્સના ભૂતપૂર્વ પ્લેયર નેહલ વઢેરા (૨૯ બૉલમાં ૪૮ રન)નો એ કૅચ પકડાઈ ગયો હોત તો તેના અને શ્રેયસ ઐયર (૪૧ બૉલમાં ૮૭ રન અણનમ) વચ્ચે ચોથી વિકેટ માટેની ૪૭ બૉલમાં ૮૪ રનની મૅચ-વિનિંગ પાર્ટનરશિપ શક્ય ન બની હોત. કૅચ ડ્રૉપ થયો એ પહેલાં વઢેરા ૬ બૉલમાં ૧૩ રન બનાવીને રમી રહ્યો હતો.