23 May, 2025 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્લેઑફ્સની ચાર ટીમ
બુધવારે મુંબઈ ઇન્ડિયન્સની વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સ સામે જીત થતાં જ IPL 2025ની પ્લેઑફ્સની ચાર ટીમ નક્કી થઈ ગઈ હતી. ગુજરાત ટાઇટન્સ, રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ક્વૉલિફાય થયા બાદ ટૉપ-ટૂના સ્થાન પર રહેવા માટે પ્રયત્ન કરશે જેથી તેમને ફાઇનલમાં પહોંચવાની ઝડપી અને વધુ તક મળી શકે.
આ વર્ષે પ્લેઑફ્સની ટીમ ગ્રુપ-સ્ટેજની સાત મૅચ બાકી હોય એ પહેલાં જ નક્કી થઈ ગઈ છે. આ સાથે જ ટુર્નામેન્ટની ૧૮મી સીઝનમાં સૌથી વહેલી પ્લેઑફ્સ ટીમ નક્કી થવાનો રેકૉર્ડ બન્યો છે. આ પહેલાં ૨૦૧૧માં ત્રણ ગ્રુપ-સ્ટેજ મૅચ પહેલાં પ્લેઑફ્સની ટીમ નક્કી થઈ હતી. આ પહેલાં ૧૦ વાર અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ, ચાર વાર એક મૅચ પહેલાં અને બે વાર બે મૅચ પહેલાં પ્લેઑફ્સની ચાર ટીમ નક્કી થઈ હતી.
કઈ ટીમે કેટલામી વાર પ્લેઆૅફ્સમાં એન્ટ્રી કરી?
IPL ઇતિહાસમાં ચેન્નઈ સુપર કિંગ્સ સૌથી વધુ ૧૨ વાર પ્લેઑફ્સ માટે ક્વૉલિફાય કરવાનો રેકૉર્ડ ધરાવે છે. આ વર્ષે મુંબઈ ૧૧મી વાર, બૅન્ગલોર ૧૦મી વાર, જ્યારે પંજાબ અને ગુજરાત ત્રીજી વાર પ્લેઑફ્સ રમતાં જોવા મળશે.