IPLમાં મુંબઈ પલટન ૧૫૦ જીત મેળવનારી પહેલી ટીમ બની ગઈ

29 April, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅટર્સની ધમાલ અને બોલર્સના તરખાટ સાથે ૨૦૦ પ્લસનો ટાર્ગેટ ડિફેન્ડ કરતાં એક પણ મૅચ ન હારનારી એકમાત્ર ટીમ બની રહી મુંબઈ, લખનઉએ ૫૧ રનની અંદર છેલ્લી સાતેય વિકેટ ગુમાવી.

બુમરાહ અને રાયન રિકલ્ટન (તસવીર સૌજન્ય: અતુલ કાંબળે)

મુંબઈએ સાત વિકેટના નુકસાન સાથે ફટકાર્યા ૨૧૫ રન, લખનઉ ૧૬૧ રનમાં ધરાશાયી થઈને ૫૪ રને હાર્યું. 

IPL 2025ની ૪૫ની મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સે ૫૪ રને લખનઉ સુપર જાયન્ટ્સ સામે બાજી મારીને સીઝનમાં સળંગ પાંચમી જીત મેળવી છે. ટૉસ હારીને પહેલા બૅટિંગ કરનાર મુંબઈએ રાયન રિકલ્ટન અને સૂર્યકુમાર યાદવની ફિફ્ટીની મદદથી સાત વિકેટ ગુમાવીને ૨૧૫ રન ખડકી દીધા હતા. મુંબઈના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટની ધારદાર બોલિંગના કારણે લખનઉની ટીમ ૨૦ ઓવરમાં ૧૬૧ રન બનાવી ઑલઆઉટ થઈ હતી. વાનખેડે સ્ટેડિયમમાં હોમ ટીમ સામે અને ગ્રુપ સ્ટેજની મૅચમાં મુંબઈ સામે પહેલી વાર લખનઉને હારનો સામનો કરવો પડ્યો છે.

IPLમાં સૌથી વધુ મૅચ જીતનાર ટીમ

મુંબઈ (૨૭૧ મૅચ)

૧૫૦

ચેન્નઈ (૨૪૮ મૅચ)

૧૪૦

કલકત્તા (૨૬૧ મૅચ)

૧૩૪

બૅન્ગલોર (૨૬૬ મૅચ)

૧૨૯

દિલ્હી (૨૬૧ મૅચ)

૧૨૧

મુંબઈને ૨.૫ ઓવરમાં રોહિત શર્મા (પાંચ બૉલમાં ૧૨ રન) રૂપે પહેલી વિકેટ ગુમાવવી પડી હતી, પણ છ ચોગ્ગા અને ચાર ચોગ્ગા ફટકારનાર ઓપનર રાયન રિકલ્ટને (૩૨ બૉલમાં ૫૮ રન) પહેલાં ૩૩ રનની ઓપનિંગ ભાગીદારી બાદ વિક જૅક્સ (૨૧ બૉલમાં ૨૯ રન) સાથે બીજી વિકેટ માટે પંચાવન રનની પાર્ટનરશિપ કરીને રનની ગતિ જાળવી રાખી હતી. ચોથા ક્રમે આવેલા સૂર્યકુમાર યાદવે (૨૮ બૉલમાં ૫૪ રન) ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ધમાકેદાર ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર ૧૮૦ રન સુધી પહોંચાડ્યો હતો. પહેલી IPL મૅચ રમી રહેલા કૉર્બિન બૉશે (૧૦ બૉલમાં ૨૦ રન) સાતમી વિકેટ માટે નમન ધીર (૧૧ બૉલમાં પચીસ રન અણનમ) સાથે ૨૮ રનની પાર્ટનરશિપ કરીને સ્કોર ૨૦૦ રનને પાર કર્યો હતો. 
લખનઉ તરફથી આવેશ ખાન અને મયંક યાદવને સૌથી વધુ ૨-૨ વિકેટ મળી હતી. તેમના બે સ્પિનર્સ સહિત પાંચેય બોલર્સે ૪૦ પ્લસ રન આપી દીધા હતાં. આ પહેલાં પણ બે વાર એક ટીમના પાંચેય બોલર્સ આ રીતે ધોવાયા હતા.

મુંબઈના બોલર્સના તરખાટ વચ્ચે લખનઉ માટે ઓપનર મિચલ માર્શ (૨૪ બૉલમાં ૩૪ રન), વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરન (૧૫ બૉલમાં ૨૭ રન), યંગ બૅટર આયુષ બદોની (બાવીસ બૉલમાં ૩૫ રન) અને ઇમ્પૅક્ટ પ્લેયર ડેવિડ મિલરે (૧૬ બૉલમાં ૨૪ રન) જ પડકાર આપવાનો પ્રયાસ કર્યો. ૧૨મી ઓવરથી તેમણે ૫૧ રનની અંદર પોતાની છેલ્લી સાતેય વિકેટ ગુમાવી દીધી હતી. મુંબઈ તરફથી ફાસ્ટ બોલર્સ જસપ્રીત બુમરાહ (બાવીસ રનમાં ચાર વિકેટ) અને ટ્રેન્ટ બોલ્ટ (૨૦ રનમાં ત્રણ વિકેટ) સહિત સ્પિનર વિક જૅક્સે (૧૮ રનમાં બે વિકેટ) સૌથી વધુ વિકેટ ઝડપી હતી. મુંબઈની આ ૧૫૦મી જીતમાં ઑલરાઉન્ડર વિલ જૅક્સ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

16-આટલામી વાર ૨૦૦ પ્લસ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરીને એકમાત્ર અજેય ટીમ તરીકેનો રેકૉર્ડ જાળવી રાખ્યો મુંબઈએ. મુંબઈના રાયન રિકલ્ટને ૩૨ બૉલમાં ૫૮ રન ફટકાર્યા હતા. 174 આટલી વિકેટ સાથે મુંબઈનો હાઇએસ્ટ વિકેટટેકર બોલર બન્યો બુમરાહ, લસિથ મલિંગા (૧૭૦ વિકેટ)નો રેકૉર્ડ તોડ્યો.

mumbai indians lucknow super giants jasprit bumrah IPL 2025 indian premier league rohit sharma cricket news sports news