30 April, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડે સ્ટેડિયમમાં સપોર્ટ કરવા પહોંચેલાં પત્ની અને દીકરો
રવિવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ચાર વિકેટ લઈને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે હાઇએસ્ટ વિકેટટેકર બોલર બન્યો હતો. વાનખેડે સ્ટેડિયમમાં તેની સ્પેલ પૂરી થઈ ત્યારે બિગ સ્ક્રીન અને લાઇવ સ્ટ્રીમિંગ પર તેની પત્ની સંજના ગણેશન અને દીકરા અંગદની નાનકડી ઝલક જોવા મળી હતી. મુંબઈને સપોર્ટ કરવા પહોંચેલાં તે બન્નેને જોઈને બુમરાહ પણ મેદાન પર મલકાયો હતો.
સોશ્યલ મીડિયા પર આ ક્લીપ અને ફોટો વાઇરલ થયા બાદ કેટલાક યુઝર્સે અંગદના ઉદાસ ચહેરા સહિતના વિષયો પર સોશ્યલ મીડિયા પર કમેન્ટ કરવાની શરૂ કરી દીધી હતી. આ હરકતથી ભડકેલી અંગદની મમ્મી સંજનાએ ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ટ્રોલર્સ અને કી-બોર્ડ વૉરિયર્સ (ઇન્ટરનેટ યુઝર્સ)ને આડે હાથ લીધાં હતાં.
તેણે લખ્યું હતું કે ‘અમારો દીકરો તમારા મનોરંજનનો વિષય નથી. અમે અંગદને સોશ્યલ મીડિયાથી દૂર રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ, કારણ કે ઇન્ટરનેટ એક ઘૃણાસ્પદ અને ખરાબ સ્થળ છે અને હું કૅમેરાથી ભરેલા ક્રિકેટ સ્ટેડિયમમાં બાળકને લાવવાનાં પરિણામોને સંપૂર્ણપણે સમજું છું, પરંતુ કૃપા કરીને સમજો કે અમે જસપ્રીતને સપોર્ટ આપવા માટે હતાં, બીજું કંઈ નહીં. અમારો દીકરો ઇન્ટરનેટ પર વાઇરલ થાય અથવા બિનજરૂરી રીતે મંતવ્ય આપતા કી-બોર્ડ વૉરિયર્સ ત્રણ સેકન્ડના ફુટેજ પરથી નક્કી કરે કે અંગદ કોણ છે, તેની સમસ્યા શું છે, તેનું વ્યક્તિત્વ કેવું છે, તેને નૅશનલ ન્યુઝ બનાવે એમાં અમને રસ નથી.’
ક્રિકેટ-ઍન્કર સંજનાએ આગળ લખ્યું, ‘દોઢ વર્ષનો છે. બાળકના સંદર્ભમાં આઘાત અને હતાશા જેવા શબ્દોનો ઉપયોગ કરવો એ એક સમુદાય તરીકે આપણે શું બની રહ્યા છીએ એનું પ્રતિબિંબ છે અને એ ખરેખર દુખદ છે. તમે અમારા દીકરા અને અમારા જીવન વિશે કંઈ જાણતા નથી અને હું તમને વિનંતી કરું છું કે તમે એ મુજબ તમારાં મંતવ્યો ઑનલાઇન બનાવો. આજની દુનિયામાં થોડી પ્રામાણિકતા અને થોડી દયા ખૂબ જ મદદ કરે છે.’ વાનખેડે સ્ટેડિયમમાં સપોર્ટ કરવા પહોંચેલાં પત્ની અને દીકરાને જોઈને મેદાન પર જસપ્રીત બુમરાહ પણ ખુશ થયો હતો.