20 April, 2025 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
IPL 2025ની ૩૫મી મૅચમાં દિલ્હી કૅપિટલ્સ સામે સાત વિકેટે જીત મેળવીને હોમ ટીમ ગુજરાત ટાઇટન્સ ટેબલ-ટૉપર બની છે. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા ઊતરેલી દિલ્હીની ટીમે કેટલીક નાની ભાગીદારીની મદદથી આઠ વિકેટ ગુમાવીને ૨૦૩ રન ફટકાર્યા હતા. ગુજરાતે જૉસ બટલર અને શેરફેન રુધરફર્ડ વચ્ચેની ત્રીજી વિકેટ માટેની પોતાની પહેલી ૧૦૦ પ્લસની પાર્ટનરશિપની મદદથી ત્રણ વિકેટના નુકસાન સાથે ૨૦૪ રન ફટકારીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતે પહેલી વાર આ ટીમ સામે જીત મેળવી છે, આ પહેલાંની બન્ને ટક્કરમાં દિલ્હીની જીત થઈ હતી.
૨૦૪ રનનો ટાર્ગેટ ચેઝ કરતાં ગુજરાતે બીજી જ ઓવરમાં કૅપ્ટન શુભમન ગિલ (પાંચ બૉલમાં સાત રન)ની વિકેટ ગુમાવી હતી. અહીંથી વિકેટકીપર-બૅટર જૉસ બટલર (૫૪ બૉલમાં ૯૭ રન અણનમ) અને ઓપનર સાઈ સુદર્શન (૨૧ બૉલમાં ૩૬ રન)એ બીજી વિકેટ માટે ૬૦ રનની ભાગીદારી કરી ટીમની ઇનિંગ્સ સંભાળી હતી. બટલરે ઇમ્પૅક્ટ પ્લેયર શેરફેન રુધરફર્ડ (૩૪ બૉલમાં ૪૩ રન) સાથે ગુજરાતની ત્રીજી વિકેટ માટેની હાઇએસ્ટ ૧૧૯ રનની પાર્ટનરશિપ કરીને જીત સુનિશ્ચિત કરી હતી. ઑલરાઉન્ડર રાહુલ તેવટિયા (ત્રણ બૉલમાં ૧૧ રન અણનમ)એ ૨૦મી ઓવરમાં દિલ્હીના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક સામે છગ્ગો અને ચોગ્ગો ફટકારી ગુજરાતને ચાર બૉલ પહેલાં જીત અપાવી હતી.