30 May, 2025 06:52 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ ખાતેના દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રીજી જૂને રમાનારી ફાઇનલ મૅચ પહેલાં સૌકોઈ દેશભક્તિના રંગે રંગાઈ જશે. ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) IPLની ૧૮મી સીઝનની ક્લોઝિંગ સેરેમનીમાં પાકિસ્તાન સામેના ઑપરેશન સિંદૂરમાં કરેલા વીર પ્રયાસો બદલ ઇન્ડિયન આર્મીને સ્પેશ્યલ ટ્રિબ્યુટ આપવાનો નિર્ણય કર્યો છે.
BCCI સચિવ દેવજિત સૈકિયા કહે છે, ‘ભારતીય સેના પ્રત્યે કૃતજ્ઞતાના સંકેત તરીકે અમે સમાપન સમારોહ સશસ્ત્ર દળોને સમર્પિત કરવાનો અને અમારા નાયકોનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ક્રિકેટ એક રાષ્ટ્રીય ઝનૂન રહ્યું છે ત્યારે આપણા રાષ્ટ્ર અને એનાં સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષાથી મોટું કંઈ નથી. અમે ઑપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે અમદાવાદમાં IPLની ફાઇનલમાં તમામ ભારતીય સશસ્ત્ર દળોના વડાઓ, ઉચ્ચ અધિકારીઓ અને સૈનિકોને આમંત્રણ આપ્યું છે.’
ફાઇનલ મૅચ પહેલાં દેશભક્તિનાં ગીતો અને લશ્કરી બૅન્ડના પ્રદર્શન દ્વારા સશસ્ત્ર દળોના શૌર્યને સલામી આપવામાં આવશે.
ઑપરેશન સિંદૂરની સફળતા બાદ ફરી શરૂ થયેલી IPL સીઝનની ઑલમોસ્ટ દરેક મૅચમાં સેનાના સન્માનમાં રાષ્ટ્રગીત વગાડીને ‘આભાર, સશસ્ત્ર દળો’ એવો મેસેજ બિગ સ્ક્રીન પર બતાવવામાં આવી રહ્યો છે.