હું પરિસ્થિતિ અનુસાર પ્લેયર્સની પસંદગી કરું છું, હું સંપૂર્ણપણે ડેટાથી પ્રેરિત નથી : અક્ષર પટેલ

19 April, 2025 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આંગળીની ઇન્જરીને કારણે તે તેની ગતિથી બોલિંગ નથી કરી શકતો અને છ મૅચમાં માત્ર એક વિકેટ લઈ શક્યો છે.

અક્ષર પટેલ

દિલ્હી કૅપિટલ્સે વર્તમાન સીઝનમાં પોતાના અનુભવી ઑલરાઉન્ડર અક્ષર પટેલને કૅપ્ટન્સીની જવાબદારી આપી છે. અક્ષર પટેલે પોતાની જવાબદારી સારી રીતે નિભાવીને ટીમને છમાંથી પાંચ મૅચ જિતાડીને સીઝનની શાનદાર શરૂઆત કરાવી આપી છે. તેણે એક ઇન્ટરવ્યુમાં પોતાની નેતૃત્વ-શૈલી વિશે ખુલાસો કર્યો હતો.

અક્ષર પટેલ કહે છે, ‘હું પહેલી વાર નેતૃત્વ નથી કરી રહ્યો. હું રાજ્ય ક્રિકેટ માટે કૅપ્ટન્સી કરી રહ્યો હતો, મને ખબર છે કે શું કરવું અને શું ન કરવું. મને જે યોગ્ય લાગે છે એ કરી રહ્યો છું અને કોઈ પણ ટેમ્પ્લેટને અનુસરતો નથી. હું મારી જાતને ટેકો આપી રહ્યો છું. આયોજન હોવું જોઈએ, શું થઈ રહ્યું છે, બીજી ટીમ કેવી રીતે રમી રહી છે એની જાણ મારી જાગૃતિ માટે છે. દેખીતી રીતે ક્યારેક એ કામ કરે છે, પરંતુ એક કૅપ્ટન તરીકે હું જોઉં છું કે કોણ ફૉર્મમાં છે, તેમનો દિવસ કેવો ચાલે છે, તેઓ શું કરી શકે છે અને શું નહીં. હું પરિસ્થિતિ અનુસાર પ્લેયર્સની પસંદગી કરું છું. હું સંપૂર્ણપણે ડેટા (પ્લેયર્સની કરીઅરના આંકડા)થી પ્રેરિત નથી.’

૩૧ વર્ષનો આ સ્ટાર સ્પિનર આ સીઝનમાં બૉલથી કોઈ ખાસ કમાલ કરી શક્યો નથી. આંગળીની ઇન્જરીને કારણે તે તેની ગતિથી બોલિંગ નથી કરી શકતો અને છ મૅચમાં માત્ર એક વિકેટ લઈ શક્યો છે.

શ્રીલંકન આૅલરાઉન્ડર દાસુન શનાકા ફરી ગુજરાત ટાઇટન્સમાં રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે સામેલ થયો

ગુજરાત ટાઇટન્સે પોતાના બે કરોડ રૂપિયાના ઇન્જર્ડ ઑલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. શ્રીલંકાના ઑલરાઉન્ડર દાસુન શનાકાને ગુજરાતે ૭૫ લાખ રૂપિયામાં પોતાની સ્ક્વૉડમાં સામેલ કરી લીધો છે. આ પહેલાં ૨૦૨૩માં તે ન્યુ ઝીલૅન્ડના અનુભવી બૅટર કેન વિલિયમસનના સ્થાને આ ટીમમાં આવીને ત્રણ મૅચ રમ્યો હતો. ૨૪૩ T20 મૅચ રમવાનો અનુભવ ધરાવતા ૩૩ વર્ષના આ પ્લેયરને પહેલાં દિલ્હી કૅપિટલ્સમાં ઇંગ્લૅન્ડના હૅરી બ્રુકના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યો હતો, કારણ કે સીઝનની શરૂઆતમાં તે પ્રૅક્ટિસ-સેશનમાં અને એક મંદિરની મુલાકાત સમયે દિલ્હીની ટીમના પ્લેયર્સ સાથે જોવા મળ્યો હતો.

indian premier league IPL 2025 delhi capitals axar patel gujarat titans cricket news sports news sports