મુંબઈ ઇન્ડિયન્સના ફૅન્સ માટે ખરાબ સમાચાર: સૂર્યકુમાર યાદવના કમબૅકમાં વિલંબ

29 March, 2024 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ બોર્ડ આ આક્રમક બૅટ્સમૅનની ફિટનેસ પર કોઈ જોખમ લેવા માગતી નથી, કારણ કે તે જૂનમાં વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં મોટી ભૂમિકા ભજવે એવી અપેક્ષા છે.

સૂર્યકુમાર યાદવ

વિશ્વનો નંબર વન T20 બૅટ્સમૅન સૂર્યકુમાર યાદવ સ્પોર્ટ્સ હર્નિયા સર્જરીમાંથી સંપૂર્ણ રીતે સાજો થયો નથી અને તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વધુ કેટલીક મૅચોમાં રમી શકશે નહીં. નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (NCA) તેની ફિટનેસ પર નજર રાખી રહી છે. ફિટનેસ-ટેસ્ટમાં ફેલ થતાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો સૂર્યકુમાર હાલની સીઝનમાં અત્યાર સુધી કોઈ મૅચ રમી શક્યો નથી અને તેની ટીમને બન્ને મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ક્રિકેટ બોર્ડના સૂત્રએ કહ્યું કે સૂર્યકુમાર ખૂબ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં મુંબઈ ઇન્ડિયન્સમાં વાપસી કરશે. જોકે પ્રથમ બે મૅચમાં ન રમ્યા બાદ તેણે વધુ કેટલીક મૅચોમાંથી બહાર રહેવું પડી શકે છે. ક્રિકેટ બોર્ડ આ આક્રમક બૅટ્સમૅનની ફિટનેસ પર કોઈ જોખમ લેવા માગતી નથી, કારણ કે તે જૂનમાં વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં મોટી ભૂમિકા ભજવે એવી અપેક્ષા છે.

IPL 2024ની ઓપનિંગ સેરેમનીએ રેકૉર્ડ બનાવ્યો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનના પ્રથમ દિવસે ઓપનિંગ સેરેમની અને ચેન્નઈ-બેન્ગલોર વચ્ચેની મૅચ ૧૬ કરોડ ૮૦ લાખ દર્શકોએ જોઈ હતી. IPLના સત્તાવાર બ્રૉડકાસ્ટર ડિઝની સ્ટારે કહ્યું કે પ્રથમ દિવસની રમતનો વૉચ-ટાઇમ ૧૨૭૬ કરોડ મિનિટનો હતો, જે કોઈ પણ સીઝનમાં પ્રથમ દિવસનો રેકૉર્ડ છે. છેલ્લી સીઝનની સરખામણીમાં વૉચ-ટાઇમમાં ૧૬ ટકાનો વધારો થયો છે.

sports news sports cricket news suryakumar yadav IPL 2024 mumbai indians