22 May, 2024 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલીનો રૂમ-પાર્ટનર સ્વપ્નિલ સિંહ
પ્લેઑફ ક્વૉલિફિકેશન બાદ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનો સ્પિનર સ્વપ્નિલ સિંહ પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરીને કૅમેરા સામે રડી પડ્યો હતો. વિરાટ કોહલી સાથે અન્ડર-19 રમનાર અને તેની સાથે રૂમ શૅર કરનાર ૩૩ વર્ષના સ્વપ્નિલ સિંહનો ઇમોશનલ વિડિયો બૅન્ગલોર ફ્રૅન્ચાઇઝીએ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે.
સ્વપ્નિલ સિંહે કહ્યું કે ‘IPL ઑક્શન દરમ્યાન હું રણજી ટ્રોફી માટે પ્રવાસ કરી રહ્યો હતો. જ્યારે મેં જોયું કે મારી પસંદગી થઈ નથી ત્યારે મને લાગ્યું કે મારા કોઈ ચાન્સ નથી, પરંતુ મારા પરિવારે મને ફોન કર્યો અને કહ્યું કે લાસ્ટ રાઉન્ડમાં બૅન્ગલોરે તને ૨૦ લાખમાં પસંદ કર્યો છે.’ આટલું કહેતાં જ સ્વપ્નિલની આંખમાં આંસુ આવી ગયાં.
કરીઅરમાં પિતાના યોગદાન વિશે વાત કરતાં તેણે કહ્યું કે ‘મારા પ્રથમ કોચ મારા પિતા હતા. મારા પિતાના કારણે જ હું આજે ક્રિકેટ રમી રહ્યો છું. જ્યારે હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે અમે બરોડા રમવા માટે શિફ્ટ થયા, જ્યારે અમારું બધું જ લખનઉમાં હતું.’
સ્વપ્નિલ સિંહે વર્તમાન સીઝનમાં બૅન્ગલોર માટે ૬ મૅચમાં ૬ વિકેટ ઝડપી છે.