હોમગ્રાઉન્ડ પર દિલ્હી સામે મળેલી હારનો બદલો લઈ શકશે ગુજરાત?

24 April, 2024 06:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૉઇન્ટ્સ-ટેબલ પર કૅપ્ટન શુભમન ગિલની ટીમ ગુજરાત ૮ પૉઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે, જ્યારે કૅપ્ટન રિષભ પંતની ટીમ દિલ્હી ૬ પૉઇન્ટ સાથે આઠમા ક્રમે છે. 

રિષભ પંત , શુભમન ગિલ્લ

આજની મૅચ: દિલ્હી કૅપિટલ્સ v/s ગુજરાત ટાઇટન્સ, સાંજે ૭.૩૦ વાગ્યે,  દિલ્હી
આવતી કાલની મૅચ : સનરાઇઝર્સ હૈદરાબાદ v/s રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ, સાંજે ૭.૩૦ વાગ્યે,  હૈદરાબાદ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની ૪૦મી મૅચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સ અને ગુજરાત  ટાઇટન્સ વચ્ચે રમાશે. ૧૭ એપ્રિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી સામે ૬ વિકેટથી હારેલી ગુજરાતની ટીમ પાસે એક અઠવાડિયા બાદ આજે બદલો લેવાની સુવર્ણિમ તક છે.  પૉઇન્ટ્સ-ટેબલ પર કૅપ્ટન શુભમન ગિલની ટીમ ગુજરાત ૮ પૉઇન્ટ સાથે છઠ્ઠા ક્રમે, જ્યારે કૅપ્ટન રિષભ પંતની ટીમ દિલ્હી ૬ પૉઇન્ટ સાથે આઠમા ક્રમે છે. 

હોમગ્રાઉન્ડ પર સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાઈ સ્કોરિંગ મૅચમાં ૬૭ રનથી દિલ્હી કૅપિટલ્સની હાર થઈ હતી. સતત બે મૅચમાં જીત મેળવીને છેલ્લી મૅચ હારેલી દિલ્હીની ટીમ સારી રીતે જાણે છે કે જો એણે પ્લેઑફ માટે ક્વૉલિફાય થવાની આશા જીવંત રાખવી હોય તો જીતના ટ્રૅક પર પાછા ફરવું પડશે. સનરાઇઝર્સ સામે પંતના નિર્ણયો પર ઘણી વખત સવાલો ઊઠ્યા હતા. ટૉસ સમયે તે અરુણ જેટલી સ્ટેડિયમમાં ઝાકળના પરિબળનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શક્યો નહોતો અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇનિંગ્સની બીજી ઓવર લલિત યાદવને સોંપવાનો પંતનો નિર્ણય વધુ વિવાદાસ્પદ હતો અને સનરાઇઝર્સે તોફાની શરૂઆત કરીને પાવરપ્લેમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના  ૧૨૫ રન બનાવ્યા હતા. પંત બૅટિંગ કરતી વખતે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો અને લક્ષ્યનો પીછો કરતી વખતે ૩૫ બૉલમાં માત્ર ૪૪ રન બનાવી શક્યો હતો.

નવા કૅપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાતના પ્રદર્શનમાં સાતત્યનો અભાવ પણ જોવા મળ્યો છે, પરંતુ પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મૅચમાં ત્રણ વિકેટથી મળેલી જીતને કારણે આ ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમ આઠ મૅચમાં આઠ પૉઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે, ચાર જીત અને એટલી જ હાર સાથે.

કઈ ટીમ મેળવશે લીડ? 
કુલ મૅચ    ૦૪
ગુજરાતની જીત    ૦૨
દિલ્હીની જીત    ૦૨

cricket news sports sports news IPL 2024 gujarat titans delhi capitals